Archive for May, 2008
મધર ટેરેસા
ઈશ્વર હ્રદયના મૌનમાંથી બોલે છે; અને આપણે સાંભળીએ છીએ. જે વ્યક્તીને જીસસે પોતાના કાર્ય માટે પસંદ કરી હોય તેને ખબર છે કે, ઈશ્વરે કહ્યું છે,
” મેં તને તારા નામથી સાદ દીધો છે. તું મારી છે. તને પાણી ડુબાડી નહીં શકે. તને આગ બાળી નહીં શકે. હું તને દેશોના દેશો આપી દઈશ. તું મારે માટે અમુલ્ય છે. હું તને પ્રેમ કરું છું. એક મા કદાચ પોતાના બાળકને ભુલી જાય; પણ હું તને નહીં ભુલું. મેં તારું નામ મારી હથેળીમાં કોતરી રાખ્યું છે. “
10, સપ્ટેમ્બર- 1946
મધર ટેરેસાને વેકેશનના દીવસોમાં દાર્જીલીંગ જતાં ટ્રેનમાં સંભળાયેલ ‘અંતરની વાણી’
————————————————————————
આ વાણી સાંભળી મધરે શીક્ષણનું ક્ષેત્ર છોડી ગરીબોઓની સેવામાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું. કલકત્તાની મીશન સ્કુલના પ્રીન્સીપાલની નોકરીની સાથે શાળાની પાછળ આવેલી ‘મોતી ઝીલ’ ની ગંદી ગોબરી ઝુંપડપટ્ટીમાં એકલે હાથે બાળકોને ભણાવવાનું શરુ કર્યું. આ સેવાયાત્રા મરણ સુધી ચાલુ રહી. ( 5, સપ્ટેમ્બર- 1997)
જે રણવાહીની પર ગાંધીજી અને જવાહરલાલ નહેરુની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી તેની ઉપર તેમની સ્મશાનયાત્રા કાઢીને તેમને અભુતપુર્વ સન્માન આપવામાં આવ્યું હતું. યુગોસ્લાવીયાના મેસેડોનીયા રાજ્યના સ્કોપ્યે ગામના સાવ સામાન્ય કુટુમ્બમાં 26, ઓગસ્ટ- 1910 માં જન્મેલ ‘એગ્નસ ગોન્ક્સા બોહાક્સીયુ ‘ ની, એક સાચી ‘મા’ની , આ અંતીમ યાત્રામાં નાત, જાત, ધર્મ, રંગ બધાંને બાજુએ મુકીને લાખો લોકો જોડાયાં હતાં.
આવું અભુતપુર્વ માન અને પ્રેમ મેળવનાર આ બાઈના કણ કણમાં જીસસની કરુણા સમાયેલી હતી. આખું જગત તેને માટે જીસસ હતું. ભારતનું એ સૌભાગ્ય છે કે, વીસમી સદીની આ મીરાંની સેવા અદનામાં અદના અને તરછોડાયેલા દરીદ્રનારાયણને મળી હતી. એની ‘અંતરની વાણી’ થી પ્રગટેલ કર્મયજ્ઞની પાવક જ્યોત આખી દુનીયામાં ફેલાઈ હતી. તેમના મરણ વખતે 4500 બહેનો, 500 ભાઈઓ, અને અગણીત દૈવીભાવવાળા કાર્યકરો અને સ્વયંસેવકો આ યજ્ઞકાર્યમાં જોડાયેલા હતા.
તેમના જીવન વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો. : - 1 - : - 2 -
ધર્મ વીશે મધરના વીચારો ( ખાસ વાંચવા લાયક )
Add comment May 9, 2008
મુર્તીપુજા
“2500 વર્શ જુના પવીત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલ પૌરાણીક દ્વારકાધીશ મંદીરનો રુ. સાડા સાત કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરી તેની કાયાપલટ કરવાનું આયોજન ગુજરાત સરકારના પ્રવાસન વીભાગે કર્યું છે…… દરરોજ દસ હજાર ભાવીક યાત્રીકો આ ધામની મુલાકાત લે છે. જન્માશ્ટમી સહીતના ખાસ તહેવાર પ્રસંગોએ આ આંકડો લાખો ઉપર પહોંચે છે. આ મંદીરની 2007-2008માં રોકડ આવક રુ. ત્રણ કરોડ, પંદર લાખ હતી. આ ઉપરાંત સાડા છ લાખ જેટલાં સોનાચાંદીના દાગીનાની આવક પણ નોંધાઈ છે. મંદીરની આવકમાંથી 2 ટકા રકમ ચેરીટી કમીશ્નરની કચેરીમાં જાય છે; 15 ટકા દેવસ્થાન સમીતીને મળે છે અને બાકીના 83 ટકા હીસ્સાને પુજારી પરીવારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.”
- એક સમાચાર ( ગુજરાત ટાઈમ્સ – ન્યુયોર્ક : 18 – એપ્રીલ – 2008 )
————————————————————————
આ છે મુર્તીપુજાની એક ઝલક. હું જન્મે માનવ પણ કુટુમ્બ અને સામાજીક સંસ્કારે હીન્દુ છું. મને જીવનની હીન્દુ ફીલસુફી માટે અનહદ માન છે. પણ મુર્તીપુજાનો આ નગ્ન ચીતાર મને કઠે છે.
આ માત્ર એક મંદીર કે હીન્દુ ધર્મ પુરતું મર્યાદીત નથી. દરેક પ્રજા, દરેક ધર્મ, દરેક જાતી, દરેક દેશમાં, કોઈ ને કોઈ પ્રકારે અને સ્વરુપે; કોઈક દેવ કે દેવદુત કે પથ્થર માટે આમ જ બનતું આવ્યું છે. આ ‘અંતરની વાણી’ ની બીભત્સ અભીવ્યક્તી છે. અંતરના, ગંગાજળ જેવા પવીત્ર ભાવનો ચીતરી પમાડે તેવો દેખાડો અને વ્યાપારીકરણ છે. સામાન્ય માણસ માટે એ પોતાની ધાર્મીકતાનું પ્રદર્શન છે; અનેક પુજારી કુટુમ્બો માટે એ આજીવીકાનું સાધન માત્ર છે. સરકાર માટે એ આવકનો સ્રોત છે. એ શહેર કે ગામના વેપારીઓ માટે રળવાનું એક બહાનું છે. આ એક ધર્મના ઓઠા હેઠળ વકરેલી, કેવળ આર્થીક અને સામાજીક પ્રવ્રુત્તી છે. એમાં ક્યાંય ભક્તી નજરે પડતી નથી.
હું મુર્તીપુજાનો વીરોધી નથી. અમારા એક જાણીતા સંબંધી કુટુમ્બમાં નસીબસંજોગે બાળક થયું ન હતું. બહેને બજારમાંથી એક લાલજી ખરીદ્યા હતા. એ લાલજીનું નાનકડું મંદીર, નાનકડું પારણું અને નાનકડી શય્યા પણ રાખ્યાં હતાં. પોતાનું જણેલું સંતાન હોય, એવા ભાવથી એ બહેન પોતાના એ લાડીલા લાલજીનું લાલન-પાલન કરતાં હતાં. લાલજીને જમાડે, રમાડે, ન્હવડાવે, વસ્ત્ર પહેરાવે, હીંચોળે, સુવાડે. એનાં ગીતો અને ભજનો ગાય. એની સાથે કાલી ઘેલી વાતો કરે. માતાના અધુરા રહેલા, અવ્યક્ત પ્રેમની એ અભીવ્યક્તી હતી. ઘરના એકાંત, ભાવભર્યા અને હુંફાળા વાતાવરણમાં પાંગરેલી એ ભાવ-નીતરતી, પ્રેમથી સભર ભક્તી હતી. મને એ બહેનની એ પુજા, એ વાત્સલ્ય, એ ભાવવીભોર અવસ્થા બહુ જ ગમતાં. કોઈ પણ ભક્તી કે પુજા કેવળ ‘અંતરની વાણી’ ની અભીવ્યક્તી હોવી ઘટે. આ બહેનની ભક્તી આવી અભીવ્યક્તીનું નીતાંત, સર્વાંગ સંપુર્ણ,પ્રશંસનીય સ્વરુપ હતું.
ભક્તી તો સાવ અંગત વાર્તાલાપ હોવો જોઈએ. આપણા હોવાપણાના પાયામાં રહેલા પરમ તત્વ સાથેનો સંવાદ; ભાશા કે કોઈ પણ માધ્યમ વીનાની કેવળ આંતરીક ગોઠડી. બહુ બહુ તો એ સ્વગત પ્રાર્થના હોઈ શકે કે; પેલાં બહેન જેવી સાવ અંગત, નીર્મળ, પ્રેમલક્ષણા ભક્તી.
પણ ઉપરોક્ત સમાચારમાં એ ભાવ, એ ભક્તી, એ પુજા બજારમાં બીકાઉ ચીજ બની ગયાં છે; એ મને કઠે છે.
જ્યારે માનવજાતે વૈચારીક ક્ષેત્રમાં મહાભીનીશ્ક્રમણ કહી શકાય તેવી સફરના અનેક જોજનો કાપી નાંખ્યા છે; જ્યારે જ્ઞાન અને જાગ્રુતીના અનેક સ્તરો ઉકેલાઈ ચુક્યા છે; જ્યારે અજ્ઞાનનો અંધકાર ક્યારનોય ભેદાઈ ચુક્યો છે – ત્યારે માનવજાતની પથ્થરયુગી પ્રાથમીકતાના આ આદીમ સ્વરુપનું વરવું પુનરાવર્તન મને કઠે છે.
અને ખાસ કરીને ભારત દેશમાં : જ્યાં કરોડો ભુખ્યાં બાળકો સુકા રોટલા માટે ટળવળે છે; જ્યાં ચાંગળું પાણી અને રોટલો ઘડવાનું બળતણ મેળવવા રોજ લાંબી સફર આદરવી પડે છે; જ્યાં કુદરતી હાજત માટે છેક ગામને છેવાડે પુગવું પડે છે; જ્યાં કોઈ અજાણી પ્રતીભા નાણાં, તક અને સવલતોના અભાવે પાંગરતાં પહેલાં જ કરમાઈ જાય છે; જ્યાં કેટલાંયને માટે આકાશની છત જ સહારો છે; જ્યાં ગરીબીના કારણે રુપ સરેઆમ વેચાય છે – એવી મારી જન્મભુમીમાં છપ્પન છપ્પન ભોગ ભોગવતો એ કાનુડો મને કઠે છે.
અને પેલાં બહેનની લાલજીસેવાનું ચીત્ર ભલે ભાવ અને ઉર્મીથી સભર હોય; પણ તેમણે પોતાની મુર્તીપુજાની માન્યતાને કોરાણે મુકીને કો’ક અનાથ, અબુધ, પ્રેમના ભુખ્યા, ધુલકા ફુલ, લાલજીની જીવંત સેવા અપનાવી હોત તો એ નીરર્થક પ્રવ્રુત્તી કેટલી સાર્થક બનત? તેમના જીવનનો ખાલીપો પણ કેટલો ભરાયો હોત?
21 comments May 2, 2008