Archive for February, 2008

વીપશ્યના – અનુભવો : 3

       અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.

     અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.

      આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.

      ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.

      ‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘

      આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.

      બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને  મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ.  પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.

      બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે,  આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.

      પણ આપણા રામ તો પાછા હતા એના એ જ.  બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.

=============================

- આવતા અંકે ….   મારા વીચારો

10 comments February 15, 2008

વીપશ્યના – અનુભવો : 2

       બીજી વખત મેં અમદાવાદમાં યોજાયેલી વીપશ્યનાની શીબીરમાં ભાગ લીધો હતો. આ વખતે કાંઈ નવું જાણવાનું ન હતું. આખી પ્રક્રીયાની મને સૈધ્ધાંતીક રીતે ખબર હતી. આથી મેં નક્કી કર્યું કે આ વખતે હું પુર્વતૈયારી કરીને જઈશ. એક અઠવાડીયાથી મારી જાણીતી પ્રાક્રુતીક ચીકીત્સા પધ્ધતી પ્રમાણે મેં ખાવા ઉપર સંયમ કરી દીધો હતો. ( આની વાત વળી કો’ક બીજી વાર!) શરીર એકદમ સ્ફુર્તીવાળું હતું. વળી અમદાવાદમાં જ જવાનું હોવાથી પ્રવાસનો કોઈ થાક વર્તાતો ન હતો.

     પહેલા દીવસથી જ બરાબર અભ્યાસ શરુ કરી દીધો. ધ્યાન પણ ઠીક ઠીક થતું હતું. પણ માનવમનમાં બને છે, તેમ પહેલેથી જ ધારાપ્રવાહ શરુ થવાની ખેવના જાગવા માંડી! અને એ માળો તો મારાથી દુર અને દુર રહી, મને સાતતાળી જ રમાડતો રહ્યો! મોટાભાગની સાધનાઓમાં આપણા જેવા સામાન્ય માણસોને આ જ વીપત ભારે પડતી હોય છે. કાંઈક સીધ્ધી પ્રાપ્ત કરવાની, કોઈક ખજાનો મળી જાય તેવી ઈચ્છા હમ્મેશ જ્ઞાત કે અજ્ઞાત રીતે રહેતી જ હોય છે! મારા કીસ્સામાંય આમ જ હતું.

      મને યાદ નથી પણ, ચોથા કે પાંચમા દીવસે દોઢ કલાકના એક ધ્યાન કાર્યક્રમમાં  તે બરાબર મળી ગયો. સતત અને શરીરના જુદા જુદા ભાગોમાં તે આવે અને જાય. રોમાંચ જ રોમાંચ. અને એનો રાગ ન થાય તો આપણે સંસારી શાના? બસ આપણને તો બાપુ, એમ થયું કે આપણું બોધીકરણ હવે હાથવેંતમાં જ છે !  આ તાસ પછી તરત સવારનું જમવાનું હતું. મેં તો આ મહાન ઉપલબ્ધીના ઉત્સાહમાં જમવાનું સાવ જ ટાળ્યું. અતી ઉત્સાહમાં હવે એકદમ તેજ ચાલથી સાધનામાં આગળ વધવાનો દ્રઢ નીર્ધાર કર્યો.

      અને રીસેસ પછી હું તો ભાઈસાબ!  મચી જ પડ્યો. મસ્તકના છેક ઉપરથી પગના અંગુઠા સુધી સઘન વીપશ્યના ચાલુ કરી દીધી. પણ આ શું? ધારાપ્રવાહ તો બાજુએ રહ્યો, કોઈ સંવેદના જ ન અનુભવાય. અને પ્રબળ વેગથી ધસમસતા વીચારોનાં ઘોડાપુર મારા ચીત્તને ઘેરી વળ્યા. કશી એકાગ્રતા જ ન મળે. તે વખતે હું સાબરમતી પાવર સ્ટેશનના કોલયાર્ડના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી સંભાળતો હતો. બસ એના જ વીચારે ચઢી ગયો. બીજો કોઈ વીચાર જ ન આવે.

      મેં હાથ ધોઈ લીધા. આમ કેમ થયું એના પણ નીરાશાજનક વીચારો આવવા માંડ્યા. રીસેસ પહેલાં જાગેલા અહંકાર માટે પરમ તત્વે મને શીક્ષા કરી, એવો અપરાધભાવ પણ જાગ્યો. જે હોય તે, અધવચથી ઉઠી હું તો શીબીરના ધ્યાનકક્ષમાંથી બહાર નીકળી ગયો. એક સ્વયંસેવકે પુછતાં મેં મારી મનોવ્યથા જણાવી.

     તેમણે કહ્યું , “ આમ તો બને.  પણ કોઈ અપરાધભાવ ન સેવો. આ બધી આંતરમનની પ્રક્રીયાઓ હોય છે. તેમાં આપણા જાગ્રુત મનના સંસ્કાર રોપી નવા પડળો ન બનાવો. જાઓ તમારા ઉતારાના સ્થાને જઈ વીપશ્યના કરો.”

       હું તો નીરાશચીત્તે ત્યાં ગયો અને મારી પથારીમાં બેસીને ધ્યાન કરવા બેઠો.  કાંઈ ફરક તો ન પડ્યો; પણ અમને કોલયાર્ડમાં મુંઝવતા ચાર પ્રશ્નો પર જ વીચારો આવવા માંડ્યા. અને એમાંથી કોઈક અકળ પ્રક્રીયાના ભાગ રુપે મને એ સમસ્યાઓના ઉકેલ સ્ફુરવા માંડ્યા. વીપશ્યના તો બાજુએ રહી ; હું તો અમારા કોલયાર્ડમાં કોલસાના ઢગલા વચ્ચે દટાઈ ગયો ! અને તમે નહીં માનો, મને કદી નહીં સુઝેલા ઉકેલો મળવા માંડ્યા. આ ભુલી ન જવાય તે માટે ચોરી છુપીથી મેં કાગળ અને બોલપેન શોધી કાઢ્યા અને ટુંકમાં તે નોંધી લીધા. આ બધા ઉકેલ વ્યવહારુ રીતે શક્ય ન હતા; પણ તેમાંના બે ઓછા ખર્ચવાળા ઉકેલ પાછા ગયા બાદ હું સફળતાથી અમલમાં મુકી શક્યો.

      વીપશ્યનાના શાસ્ત્ર પ્રમાણે આ ઘટનાનું શું મહત્વ છે , તે તો મને ખબર નથી. પણ મારી જાતે જ મને એક નીશ્કર્શ મળ્યો :

      જો સાધનાની નીશ્ફળતાની વચ્ચે કે, તેની આડપેદાશ તરીકે આવી સર્જનાત્મકતા મનમાં ઉભરી શકતી હોય તો, પુર્ણ સફળતા શું શું સીધ્ધીઓ પ્રાપ્ત ન કરાવી આપે? અને જો આપણે તેનાથી પણ વીચલીત થયા વીના, આપણા જગજુના સંસ્કારોથી મુક્તી મેળવવાના માર્ગમાં દ્રઢ રહીએ, તો બોધીસ્થીતી જરુર મેળવી શકાય.  જીવતે જીવ નીર્વાણ જરુર મળે.

     આ વીશ્વાસ મનમાં રોપાયો.  અલબત્ત શીબીર પત્યા બાદ હું કામમાં એટલો તો દટાઈ ગયો કે, અભ્યાસ ચાલુ રાખી ન શક્યો.

-   છેલ્લો ભાગ બે દીવસ પછી ….

3 comments February 13, 2008

વીપશ્યના : અનુભવો – 1

      મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભવો જ વર્ણવું છું. આમ તો આવા અનુભવો કોઈને નહીં કહેવાની સુચના આપવામાં આવે છે. પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાયું નથી. આથી અહીં આવા અનુભવો ટુંકાણમાં વર્ણવ્યા છે. વીપશ્યનાના કોઈ કોપી રાઈટનો ભંગ આનાથી થતો હોય તેવું મારા ધ્યાનમાં નથી. છતાં વીપશ્યના સંસ્થાના કોઈ હોદ્દાધારી વ્યક્તી આ અંગે જણાવશે તો ઘટીત કરવામાં આવશે.

—————————

       મારી પહેલી શીબીર કચ્છમાં માંડવી નજીક દુર્ગાપુર નામના એક નાનકડા સ્થળની શાળામાં હતી. મારા મોટાભાઈની સાથે હું તેમાં જોડાયો હતો. અમને આ અંગે કશી જ પુર્વ માહીતી ન હતી. આથી નવું જાણવાનું બહુ કુતુહલ હતું. પહેલા બે કે ત્રણ દીવસો તો માત્ર શ્વાસ અને ઉચ્છ્વાસ પર જ ધ્યાન રાખવાનું હતું . એ તો સરળ લાગ્યું. પણ વીચારો બંધ થતા જ ન હતા. બહુ મોડા સમજાયું કે મનની ઉપર કોઈ જબરદસ્તી કરવાની હોતી જ નથી. વીચારો તરફ કેવળ દુર્લક્ષ્ય જ સેવવા પ્રયત્ન કરવાનો. અને થયું પણ એમ જ. એમને કોઈ અગત્ય આપવાનું બંધ કર્યું અને ધીમે ધીમે તેમનો પ્રવાહ ઓસરતો ગયો.

      ત્રીજા દીવસે આખા શરીરમાં વીપશ્યના કેમ કરવી તેનું માર્ગદર્શન મળ્યું. આ થોડું મુશ્કેલ લાગ્યું, કારણકે પહેલા દીવસે તો કોઈ ખાસ સંવેદના થતી જણાઈ જ નહીં. પણ એવી સુચના તરત જ મળી કે, “ કોઈ સંવેદના ન થાય તો તેનો શોક પણ ન કરો. શરીરના વીવીધ ભાગોમાં માત્ર મનથી અવલોકન જ કરો. આ ઘડીએ શું વાસ્તવીકતા છે, તેના માત્ર સાક્ષી જ થાઓ.” આમ આ શોક નીકળી ગયો. પછી ધીમે ધીમે એકાગ્રતા વધવા માંડી અને ક્યાંક ક્યાંક કંઈક સળવળાટ, સંચાર થવા માંડ્યો. આ કાંઈ મોટી ઉપલબ્ધી ન હતી; પણ આંતરમનની પ્રક્રીયાનો શરીર પર કદાચ પડઘો પડતો હોય એમ લાગવા માંડ્યું.

      જેમ જેમ સાધનાના દીવસો આગળ વધતા ગયા, તેમ તેમ આ પ્રક્રીયાની સમજણ પડતી ગઈ. પણ બહુ જ કંટાળો તો આવતો જ હતો. ના પાડી હતી છતાં અમે છાને છપને વાત પણ કરી લેતા હતા! સાવ મુંગા રહેવાનોય અનુભવ લેવા જેવો હોય છે!  કીશોરાવસ્થા માંડ વીતાવીને યુવાનીમાં હમણાં જ પ્રવેશેલા ઘણા જણ પણ આવ્યા હતા. તેમની દશા તો બહુ કરુણ હતી.

     ખાનગીમાં આવા એક યુવાનને મેં પુછ્યું,” કેમ લાગે છે?”

    તેનો શુધ્ધ કાઠીયાવાડી ભાશામાં ચીરસ્મરણીય જવાબ હતો,” હલવાણા ! “

    પણ ધીરે ધીરે આ પ્રક્રીયાની ગંભીરતા સમજાતી ગઈ. ત્રીજા કે ચોથા દીવસે એકાગ્રતા આવવા માંડી. મારી ઉમ્મર એ વખતે લગભગ 48- 49 વરસની હશે. શરીરમાં કોઈ તકલીફ ન હતી. પીઠ પણ કદી દુખતી નહીં. પણ તે દીવસે પીઠની મધ્યમાં સખત દુખાવો ઉપડ્યો. એક પછી એક, વારાફરતી અમારા શીક્ષક અમને બોલાવીને અનુભુતીઓ અંગે પ્રુચ્છા કરે. મારો વારો આવ્યો, ત્યારે મેં આ તકલીફ જણાવી અને ભય પણ વ્યક્ત કર્યો કે, કોઈ ડોકટરને બતાવી શકાય, અથવા કોઈ સારવાર મળી શકે તો સારું.

    તે હસીને બોલ્યા, “ આ સંવેદનાને નકારી તો જુઓ. મોટાભાગે તે જતી રહેશે. છતાં તકલીફ ચાલુ રહેશે તો કાંઈક કરીશું.”

     ત્યાર પછીના ધ્યાનસત્રમાં મેં આ દુખાવો પણ અનીત્ય છે, એવો ભાવ સતત સેવ્યા કર્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે દસેક મીનીટ બાદ એ ગાયબ થઈ ગયો. આથી મને એ બરાબર સમજાઈ ગયું કે, “ કોઈ જુનો સંસ્કાર ગયો કે ન ગયો, તે તો રામ જાણે; પણ આ દુખાવો માનસીક જ હતો. કદાચ કંટાળાના ભાવની અભીવ્યક્તી હશે.”  જે હોય તે, પણ બાકીના દીવસોમાં એ દુખાવો ફરી દેખાણો ન હતો!

     પાંચમા કે છઠ્ઠા દીવસે એકાદ બે સેકન્ડ માટે ધારાપ્રવાહ પણ અનુભવાયો. આપણે તો મોટી મતા મળી ગઈ હોય, તેમ હરખાણા. આ પહેલી જ સુખદ સંવેદનાની અનુભુતી હતી. પણ ત્યાં જ માઈક પરથી સુચના સંભળાઈ,” ધારાપ્રવાહ અનુભવાય, તો તેને પણ અનીત્ય ગણી, શરીરના બીજા ભાગોમાં થતી સંવેદના તરફ ધ્યાન કેન્દ્રીત કરો.” અને એ ધારાપ્રવાહ તો અદ્રશ્ય થઈ ગયો. પછી તો એ આવે ને જાય. પણ એની તરફ પણ દુર્લક્ષ્ય સેવવાની ટેવ પડવા માંડી.

      છેલ્લા દીવસે, મૌન તોડવાનો વીધી બહુ આનંદદાયી લાગ્યો ; છુટકારા થવાનો છે તેનો હરખ તો હતોજ; પણ એ મંગળમૈત્રીમીલનનો ભાવ બહુ જ સરસ અનુભવાયો પણ ખરો. બધાંને મળવાનો આવો આનંદ પહેલાં કદી અનુભવાયો ન હતો. પણ બોલતાં બહુ જ તકલીફ પડી! મુંગા રહેવાનીય જાણે ટેવ પડી ગઈ હતી.

     સારાંશમાં આ પહેલા અનુભવ પરથી આ ધ્યાન પ્રક્રીયામાં થોડો ઘણો વીશ્વાસ બેઠો.

   -   વધુ આવતા અંકે

4 comments February 11, 2008

વીપશ્યના

      વીપશ્યના કે વીપસ્સણાનું નામ આવે અને ગૌતમ બુધ્ધ યાદ આવી જાય. તે જમાનામાં ભારતીય સમાજ એક બાજુ હીન્દુ ધર્મના હીંસાત્મક કર્મકાંડો અને મંદીરોમાં પ્રવર્તેલા ભ્રશ્ટાચારોથી ખદબદતો હતો; અને બીજી બાજુ વર્ધમાન મહાવીરે પ્રચલીત કરેલા અને અત્યંત કઠોર શીસ્ત માંગી લેતા જૈન ધર્મના આકરા નીયમપાલનથી મુંઝાતો હતો. ત્યારે ગૌતમ બુધ્ધે મધ્યમ માર્ગ સુચવ્યો હતો. કાળક્રમે તે ભારતમાંથી તો લુપ્ત થઈ ગયો પણ પુર્વ એશીયાના દેશોમાં બહુ પ્રચાર પામ્યો.

     બુધ્ધના સીધ્ધાંતોમાં વ્યવહારમાં પંચશીલ અને પધ્ધતીમાં વીપશ્યના પ્રધાન સ્થાને છે. અહીં વીપશ્યના પધ્ધતી વીશે ટુંકમાં માહીતી આપું છું. બુધ્ધની પણ આ પોતાની આગવી  શોધ ન હતી. આ તો વેદકાળમાં સુચવેલી એક રીત હતી. પણ તેમણે તેને સાધનાના સાધન તરીકે અપનાવી, અને તેને શાસ્ત્રીય રુપ આપ્યું. પોતાના જીવનમાં તેનો સફળ ઉપયોગ કરીને પોતે બોધીજ્ઞાન અને મુક્તી પામ્યા;  સીધ્ધાર્થમાંથી ગૌતમ બુધ્ધ – શાક્યમુની બન્યા.

      આ ધ્યાનની એક રીત છે. પણ બીજા પ્રકારોની જેમ કોઈ ઈશ્ટદેવ, ઈશ્વર કે પરમ તત્વને સ્મરવામાં નથી આવતા. બુધ્ધનું દર્શન એ રીતે નાસ્તીક દર્શન છે. આની પાછળ મુળ સીધ્ધાંત એ છે કે, આપણું આંતર મન હજારો વર્શોની જીવનની અનુભુતીઓ અને કર્મોના આધારે ઘડાયેલું હોય છે. જ્યારે આ મનને રાગ કે દ્વેશ થાય છે, ત્યારે તે તેની અભીવ્યક્તી કરવા પ્રયત્ન કરે છે. પણ તેની પાસે આ માટે કોઈ માધ્યમ હોતું નથી. બાહ્ય મનની જેમ વીચાર પણ નહીં. આથી તે શરીરના અંગોમાં સંવેદના મારફત આવી અભીવ્યક્તી કરે છે.

      આથી વીપશ્યના કરતી વખતે માત્ર આ ક્ષણે શરીરના વીવીધ અવયવોમાં શી સંવેદના ઉભરી રહી છે તેનું કેવળ નીરીક્ષણ કરવામાં આવે છે. ક્યાંક ખુજલી આવતી હોય; ક્યાંક ભારેપણું લાગતું હોય; ક્યાંક રુંવાડું ફરકતું હોય તેમ લાગતું હોય; આંખ ફરકતી લાગતી હોય;  આંતરીક ઠંડક કે ગરમી લાગતાં હોય. આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

        શરુઆતમાં એકાગ્રતા માટે નાકમાં જઈ રહેલ અને બહાર આવતા શ્વાસ પર નજર રાખવામાં આવે છે. પછી ધીરે ધીરે માથાના ઉપરના ભાગથી શરુ કરી છેક પગના તળીયાં સુધી, દરેક અવયવમાં શી સંવેદના વ્યક્ત થઈ રહી છે, તેનું નીરીક્ષણ કરવામાં આવે છે. વીચારો આવે તે પ્રત્યે સહજભાવ કેળવવામાં આવે છે. જે પણ વીચારો આવે તેમને આવવા દેવાના, પણ તરત ધ્યાન તો શરીરમાં થતી આવી સંવેદના પ્રત્યે જ કેળવવાનું. શરુઆતમાં આવું કાંઈ નજરે ન ચઢે.  પણ શ્વાસ પર તો ધ્યાન રાખી જ શકાય, માટે ત્યાંથી શરુઆત કરવામાં આવે છે.

        એક બે દીવસ આ મહાવરો પડ્યા પછી, ધીરે ધીરે નાનકડી સંવેદનાઓ નજરે ચઢતી જાય છે. આવી દરેક સંવેદના અનુભવાય ત્યારે મનથી સભાન રીતે વીચારવાનું હોય છે કે, આ સંવેદના ક્ષણીક છે ; શાશ્વત નથી; અને તે જતી રહેવાની છે. અને આપણે આમ અનુભવવા પણ માંડીએ છીએ, કારણ કે, આ સંવેદનાઓ બદલાતી જ રહેતી હોય છે. આ ક્ષણે ક્યાંક દબાણ કે ખુજલી લાગે, પણ થોડી વાર પછી તે તે જગાએ તે ગાયબ થઈ ગયેલી આપણે અનુભવી શકીએ છીએ.

       આમ સંવેદના તરફ જાગરુકતા અને તેના તરફ અનીત્યભાવ બન્ને ધીમે ધીમે કેળવાતા જાય છે. બુધ્ધ દર્શન એમ કહે છે કે, આ સંવેદનાઓ જે ગુહ્ય આંતરમનના સંસ્કારને કારણે થઈ હોય તે સંસ્કાર આવો અનીત્યભાવ કેળવવાથી નશ્ટ થાય છે. જેમ જેમ આપણા માનસમાં એકઠા થયેલા સંસ્કારો દુર થતા જાય છે, તેમ તેમ ધ્યાન વધારે ગાઢ થતું જાય છે. સંવેદનાઓ હવે ઉભરવા માંડે છે , અથવા આપણે તેમના પ્રત્યે સજાગ બની ગયેલા હોઈએ છીએ. પછી તો આ એક ચેઈન રીએકશન બની જાય છે. જ્યાં કશી અનુભુતી પહેલાં ન થઈ હોય, ત્યાં પણ કોઈને કોઈ સંવેદના ઉભરતી આપણે અનુભવી શકીએ છીએ.

         આની ચરમસીમારુપે, એક એવી સ્થીતીનું નીર્માણ થાય છે કે, આખા શરીરમાં ઈંચે ઈંચ જગ્યાએ સંવેદનાનો પ્રવાહ વહેતો હોય તેવી સુખદ લાગણી થવા માંડે છે. વીપશ્યનાના સંદર્ભમાં આને ‘ ધારાપ્રવાહ’  કહે છે. આ બહુ સુખદ લાગણી હોય છે અને છતાં આ પણ ‘અનીત્ય’ છે એવો વીચારભાવ કેળવવામાં આવે છે.

          સતત અનીત્યભાવનો આ વીચાર આંતરમનને વધુ ને વધુ સંવેદનશીલ બનાવતું જાય છે. સંવેદનાઓનો ધોધ છુટતો હોય તેવી અનુભુતી થવા માંડે છે. અને જમાનાજુના, આપણા જીવનમાં ઉભા થયેલા,  આપણા વડીલો/ જનકો પાસેથી વારસામાં મળેલા; અરે ! ઉત્ક્રાંતીકાળથી આપણા હોવાપણામાં ઘર કરી ગયેલા સંસ્કારો ઓગળવા માંડે છે. આંતર મન વધુ અને વધુ આવરણ રહીત થવા માંડે છે. આંતરીક પ્રજ્ઞા જાગવા માંડે છે. 

       ‘બુધ્ધ’ થવાની પ્રક્રીયાની આ શરુઆત છે.

      વીપશ્યનાની શીબીરની શીસ્ત આ પ્રક્રીયાને ઉત્તેજન મળે તે રીતે ગોઠવેલી હોય છે. દસ દીવસની શીબીરમાં કોઈની પણ સાથે વાતચીત બંધ. કોઈ પણ વાંચન, સંગીત શ્રવણ, ભજન, કીર્તન, નામસ્મરણ, જાપ કશું જ નહીં કરવાનું. કોઈ દવા પણ નહીં લેવાની. સવારે સાદો નાસ્તો, બપોરે સાદું જમણ અને સાંજે ફળાહારની વ્યવસ્થા કરેલી હોય છે. છેલ્લા દીવસે મૌન તોડતી વખતે સમસ્ત જગત તરફ મંગળભાવનો, મૈત્રીભાવનો સંદેશ ફેલાવવામાં આવે છે. એ દીવસે સાધકોના મનમાં ફેલાતો કેવળ અને નીર્મળ આનંદભાવ અવર્ણનીય હોય છે.

     આ શીબીરોની બહુ જ પ્રશંસનીય બાબત એ હોય છે કે, કદી કોઈ રકમની માંગણી કરવામાં આવતી હોતી નથી. છેલ્લા દીવસે કોઈની ઈચ્છા થાય તો દાન આપી શકે, તે માટે માત્ર સુચન કરવામાં આવે છે.પણ કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી. કોઈ પણ ધર્મ, રંગ કે જાતીની વ્યક્તી આમાં જોડાઈ શકે છે. પણ કોઈ પણ ધર્મનો કે ઈશ્વરના નામનો આધાર લેવાની મનાઈ હોય છે. કેવળ વર્તમાનમાં આપણા શરીરમાં આ જ ક્ષણે શું બની રહ્યું છે , તે પ્રત્યેની સભાનતા અને તે પ્રત્યે અનીત્યભાવની કેળવણી વીપશ્યનાના હાર્દમાં હોય છે.

    સતત અભ્યાસથી  જેમ જેમ આપણી સાધના પુખ્ત થતી જાય છે; તેમ તેમ ઘટનાઓ તરફ આપણે ઉદાસીન થતા જઈએ છીએ. પ્રતીક્રીયા કરવાનો આપણો અભીગમ બદલાતો જાય છે.  સમતા કેળવાતી જાય છે. રાગ-દ્વેશ ની માત્રા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જીવતાં જીવ નીર્વાણ તરફ, મુક્તી તરફ આપણી ગતી થતી થાય છે. સમશ્ટી તરફ મીત્રતા અને મંગળ ભાવ કેળવતા જાય છે.      અલબત્ત , સાધનાના સતત અભ્યાસ અને સામાન્ય જીવન દરમ્યાન પણ આવી સ્થીતી પ્રાપ્ત કરવા માટેની તૈયારી તો હોવાં જ જોઈએ.

 -   વીશેશ માહીતી   -   1   -     :   -   2   -     :   -   3   -      :   -   4   -

-   મારા પોતાના અનુભવો આવતા અંકે…

—————————————————————————

હે, લોકો !
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”

–ગૌતમ બુદ્ધ

4 comments February 8, 2008


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

મહિનાવાર ટપાલ

Meta

a