ઈશ્વર

January 9, 2008

     તેને કદી કોઈએ જોયો નથી, તેના વીશે જગતમાં સૌથી વધું લખાયું છે, તેના અનેક ચીત્રો અને શીલ્પો પણ બન્યાં છે. અને તે પણ વીશ્વના દરેકે દરેક દેશમાં, વીશ્વની દરેકે દરેક જાતીમાં.

      એ છે – ઈશ્વર.

     આવું કેમ છે? બહુ જ સાદાં અને સરળ કારણો છે. મનવાળા માનવીને હમ્મેશ જીવનની ક્ષણભંગુરતા, અનીશ્ચીતતા, અને ભયો સતાવતા રહ્યા છે. આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક સર્વશક્તીશાળા અસ્તીત્વની હમ્મેશ ખેવના કરી છે, જે તેને આ વીદારી નાંખે તેવી વીટંબણાઓમાં સધીયારો આપે, રક્ષણ આપે, ઉગારે. વળી તેની તર્કસંગત વીચારસરણી વડે તે એ પણ જોઈ શકે છે કે, કોઈ ઘટના કારણ વીના ઘટતી નથી. તો આટલું જટીલ જગત અને જીવન એની મેળે તો ન જ બન્યું હોય ને? આથી એણે એવા અસ્તીતવની પરીકલ્પના કરી કે જે બધા સર્જનનો સર્જક હોય. તેણે એવી મહાન શક્તી પણ ઈશ્વરમાં કલ્પી કે જે નકારાત્મક તત્વોને સંહારી, સત્ય અને શુભની સ્થાપના કરે.

        આમ માણસ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો છે. તેના ચીત્રો, તેનાં શીલ્પો બનાવતો રહ્યો છે. કોઈ તેને સાકાર કલ્પે છે – કોઈ નીરાકાર. પણ માણસને ઈશ્વર વીના ચાલ્યું નથી. અને આમાં કશું ખોટું પણ નથી. નાસ્તીકો આ વાતને નહીં સ્વીકારે. પણ જીવનના સંઘર્શોને પહોંચી વળવા આ માન્યતા થકી માણસને અસીમ બળ મળતું હોય તો તે ઘટીત છે જ. કોઈ પણ માન્યતા આપણને સક્રીય બનાવતી હોય, શક્તીમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાંગ ભરાવી શકતી હોય,  એકબીજાની સાથે પ્રેમભાવના અને ભ્રાત્રુભાવ પ્રગટાવતી હોય તો તે ઈચ્છવા યોગ્ય જ ગણાવી જોઈએ.

         માત્ર આટલે સુધી જ આ માન્યતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ પણ ઉભી થઈ. મેં ઈશ્વરની જે કલ્પના કરી હોય તે બીજા કોઈની કલ્પના કરતાં જુદી હોય તો તેનો ઈશ્વર અને મારો ઈશ્વર ટકરાય, બાખડે – અથવા તે ઈશ્વરો વતી અમે બે બાખડીએ! લોહી રેડાય, અને શક્તીમાન થવાની લાહ્યમાં હું અવલમંજીલ પણ પહોંચી જઉં! હજારો વર્શોથી આવા લોહીયાળ સંઘર્શો થતા આવ્યા છે – કરુણાના સાગર સમા ઈશ્વરના નામ પર.

          અરે એક જ ધાર્મીક માન્યતામાં પણ ખટરાગ પેદા થયા. અને ફાંટા પડ્યા. જીસસ એક જ – પણ કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, પ્રેસ્બીટેરીયન, બેપ્ટીસ્ટ, સીરીયન વી. ફાંટાઓ જુદા જુદા. વૈશ્ણવ, શૈવ, શાક્ત, સ્વામીનારાયણ, રાધાસ્વામી… અરે સ્વામીનારાયણમાંય અલગ અલગ ફીરકાઓ. ઈશ્વરને કેમ ભજવો તેના વીવાદ! મુળ મુદ્દે ઈશ્વરના નામે ભેગી થતી અઢળક સમ્રુધ્ધી, સત્તા, શક્તી અને અનુયાયીઓની ફોજ પર આધીપત્યની મુઠ્ઠીભર વ્યક્તીઓની સ્વાર્થી લાલસાઓ.

          બીજી એક આનાથી પણ વધુ હાનીકારક ખરાબી સર્જાઈ તે એ કે, હું ઈશ્વરની આરાધના કરું, એટલે મારું બધું ઉત્તરદાયીત્વ સમાપ્ત. હજાર હાથવાળો બાકીનું બધું સંભાળી લેશે! સાવ અકર્મણ્યતા. મહમ્મદ ગઝની સોમનાથ પર ચઢી આવ્યો ત્યારે તેનો સામનો કરવાને બદલે, ભગવાન શંકર એને જેર કરી નાંખશે તે આશામાં તેને પુજતા રહ્યા. સર્વ શક્તીમાન પ્રભુની કેટકેટલી મુર્તીઓ પામર યવનોના આક્રમણને ખાળી ન શકી.

         બીજા સંદર્ભમાં આ માન્યતાઓનો આગ્રહ એટલો બધો કે, તેના ગુરુઓ કહે તે સીવાય એક હરફ પણ ઉચ્ચારે તે પાપી. તેને માટે શીક્ષાઓ તૈયાર.  સહેજ વીરોધી સુર કાઢવા માટે ખ્રીસ્તી પાદરીઓએ ખ્રીસ્તી બ્રુનોને જીવતો સળગાવી દીધો. અને આ બધું એ પરમક્રુપાળુ , દીનદયાળ, કરુણાના સાગરના નામે.

         અને ભગવાનના પુજન અને અર્ચનમાં મગ્ન આપણે ભગવાનને છપ્પન ભોગ ધરાવતા રહ્યા, સામૈયાઓ કરતા રહ્યા, અન્નકુટો અને યજ્ઞો યોજતા રહ્યા અને એ દરીદ્રનારાયણના મહાલયની પાછલી ભીંતે દરીદ્રતા કણસતી રહી. ભુખ્યાંને રોટલો આપવાની માનવતા ભુલાઈ. નાગાં પુગાં માનવીઓનો તારણહાર મોંઘાદાટ રેશમી વાઘામાં મહાલી રહ્યો. જે મહેનતકશ માનવીઓ આખા સમાજની ગંદકી સાફ કરે, તેમને એ મહાલયમાં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની ઝુંપડીનો દીવો બુઝાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમાં ઝળહળી રહ્યો.

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?
- કૃષ્ણ દવે

      અને આ બધી અવઢવમાં ઈશ્વર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમાં આવી ગયો. જે સર્વ શક્તીમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મુક પ્રેક્ષક બની ગયો.

માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો……

         શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો?

         ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનનીય અંદર એ તો મહાલે છે. ‘હું’ ને ઓળખીશું એટલે તે ઓળખાઈ જશે.

          મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર.  પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે…..  મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.

          હું માનવી માનવ થાઉં તો ઘણું.

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

10 Comments Add your own

  • 1. Chirag Patel  |  January 9, 2008 at 10:36 am

    દાદા, તમે હવે અદ્વૈતની રાહ પર છો! સહુથી આધુનીક આધ્યાત્મીક તત્વજ્ઞાન એ જ છે.

    અહીં મને સ્વામી વીવેકાનન્દે ઉપદેશેલ અને ગાંધીબાપુએ આત્મસાત કરેલ શબ્દ ‘દરીદ્ર નારાયણ’ યાદ આવી ગયો…

    Reply
  • 2. સુનીલ શાહ  |  January 9, 2008 at 11:02 am

    સરસ ચીંતન રજુ કર્યુ છે…

    Reply
  • 3. Pradip Brahmbhatt  |  January 9, 2008 at 4:54 pm

    શ્રી સુરેશભાઇ,
    આપની રજુઆત ખુબ જ સાચી છે.આપના આ વિચારોમા હું સંપુર્ણ સહમત થાઉ છું કારણ મારી માન્યતા પણ તે જ છે.આપના આ લેખ માટે મારા ખુબ જ અભિનંદન.આભાર.
    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન.

    Reply
  • 4. Harnish Jani  |  January 9, 2008 at 6:50 pm

    Very Good–Almost everybody thinks on this line-
    Correction–Not Mahmad Ghori— Mehmud Gazani attcked Somanath.

    Reply
  • 5. jjkishor  |  January 9, 2008 at 8:14 pm

    ગુજ.નેટજગત પર આ બધું પરીતોષ આપનારું છે. આવી રજુઆતો આપણી ભાષાકીય, સાહીત્યીક જ નહીં માનસીક-બૌદ્ધીક અને વ્યાવહારીક શક્તીઓને બહાર લાવનારી અને સર્વજન હીતાય બની રહેનારી છે.

    તમારું ચીંતન અનેક અથડામણોમાંથી [અથડામણો-અડચણો જ ફીલ્ટર હશે ?] ગળાઈને પથ્થર ફોડીને નીકળતાં ઝરણા જેવું બની રહ્યું છે.

    બહુ જ સંતર્પક વાતો છે આ બધી.

    Reply
  • 6. Dr. Dinesh O. Shah  |  January 9, 2008 at 9:32 pm

    Dear Sureshbhai,

    My congratulations and compliments for your presentation of an excellent write up on the concept of God, its emegence in the mind of man and the conflicts, bloodshed and social injustice that followed. As a scientist, I do not see any thing in your write up that I would disagree. I may quote two lines from my poem,

    Hajari tari hati aa srushtine khune khune
    to mandir masjid ne taru rahethan samju kya sudhi ?

    Ravindranath Tagore had written that when a procession from temple was going on a road, people were throwing flowers etc on the chariot carrying the Statue of God. The road felt that people are honoring it, the bullocks felt they were being honored, the statue felt, it was being honored and real God was smiling from the sky !!!

    Again, many thanks for a unified view on religions and God!

    Dinesh O. Shah, Gainesville, FL, USA

    Reply
  • 7. GS123  |  January 10, 2008 at 1:16 pm

    See the following article where swami Vivekananda teaches a lesson to an atheist using that person’s logic and argument.

    http://www.gujaratsamachar.com/gsa/20080110/guj/supplement/d1.html

    Reply
  • 8. કલ્પેશ  |  January 12, 2008 at 11:26 pm

    માણસ અને પ્રાણીમા ફરક એ પણ કે માણસ દરેક વાતનુ અર્થઘટન કરે છે. પ્રાણીઓ લડે છે, મારે છે, મરે છે, જીવે છે. એમના માટે ભગવાન કે ના ભગવાન – શુ ફરક પડે છે?

    ધ્યાનથી જોઇએ તો લાગશે કે આપણે પણ પ્રાણીઓ જ છીએ. અલબત, વિચારનાર અને કદાચ પોતાનામા ફેરફાર કરી શકનાર.

    અને જો ઇશ્વરનો અંશ આપણામા હોય તો આપણુ પોતાનુ વિચારવુ, સંવેદનશીલ થવુ, લોકોના દુ:ખ પ્રત્યે જાગૃત થવુ અને કઇ કરી શકાય તો કરવુ જેથી આપણને અંતરનો આનન્દ મળે અને બીજાને ખુશી મળે – એથી વધુ માનવજીવનનો સાર શુ હોઇ શકે?

    Reply
  • 9. સુરેશ જાની  |  January 13, 2008 at 12:22 am

    ભાઈ કલ્પેશ ,
    તારી વાત સાવ સાચી છે. જાતે સુખી થવું એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે. જો માણસ આનાથી વીશેશ કાંઈ કરે તો તે માણસ કહેવાય. અને તે છે – સુખ/ આનંદનો પ્રસાર કરવો.
    સંસ્કૃતનો એક શ્લોક અમારે એસ. એસ. સી. માં ભણવામાં આવતો હતો.

    श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थकोटिभिः
    परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।

    આ એક શ્લોક જ પાળીએ તો બધા ધર્મો આવી જાય. અત્યારના ભોગપ્રધાન જગતમાં આ ભાવના પ્રસારની જ જરુર છે.
    બાકી ઈશ્વરની ભક્તી કરીએ અને માત્ર સ્વાર્થ જ સાધ્યા કરીએ, તે ભક્તીનો કોઈ અર્થ નથી.
    અને ભક્તીના નામે લોકોની શ્રધ્ધામાંથી પોતાનો સ્વાર્થ સાધવો તે તો સૌથી મોટું પાપ છે, જે મોટા ભાગના સંપ્રદાયો , મંદીરો, દેવળો, મસ્જીદો કરી રહ્યા છે.
    મારી લેખમાળાનો મુખ્ય ઉદ્દેશ આ વીચારનો પ્રસાર કરવાનો છે.

    Reply
  • 10. pragnaju  |  January 17, 2008 at 5:09 pm

    ધર્મને નામે જે ખોટું ચાલે છે તે ચલાવી ન લેવાય. બીજી તરફ આવુ ખોટું આપણાથી દૂર થાય તેવો પ્રયત્ન કરવો. તે કરતાં પણ અગત્યનું આપણે આપણે માટે પ્રયત્નપૂર્વક સગુણાત્મક પરીવર્તન કરીએ.
    આપણે ઈશ્વરની હાજરીનો સ્વીકાર કરીએ તો આપણામાં શિસ્ત અને દરેક આત્મવત છે તેવો ભાવ રહે.જો આપણામાં તે ભાવ નથી તો આપણે તેની હાજરીનો સ્વીકાર કર્યો નથી. ત્યાં સુધી ઈશ્વરનો ભય કહો તો તે પણ સારું છે.પછી જ્યારે પુખ્ત સમજ આવે કે ઈશ્વરને શું ગમે છે? ત્યારે ભયથી નહીં પણ સમજ્શક્તી પૂર્વક વર્તવું હીતાવહ છે.ને જ્યારે એ સમજ આવે કે તમારે માટે હીતકારી છે તે સ્થિતી ઉત્તમ છે. તમે પ્રસન્ન છો તેને માટે કોઈનૂં પ્રમાણપત્ર જરુરી નથી તેમજ પરમાત્મા તમારો અનુભવ છે તેને કોઈના પ્રમાણપત્રની જરુર નથી.અજ્ઞાનીની અનુભૂતિ જીવ તેનો અંશ છે ત્યારે જે જ્ઞાની છે તેની અનુભૂતિ જીવ પરમાત્માનો અંશ છે

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

January 2008
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta

a