Archive for January, 2008
ઈશ્વર
તેને કદી કોઈએ જોયો નથી, તેના વીશે જગતમાં સૌથી વધું લખાયું છે, તેના અનેક ચીત્રો અને શીલ્પો પણ બન્યાં છે. અને તે પણ વીશ્વના દરેકે દરેક દેશમાં, વીશ્વની દરેકે દરેક જાતીમાં.
એ છે – ઈશ્વર.
આવું કેમ છે? બહુ જ સાદાં અને સરળ કારણો છે. મનવાળા માનવીને હમ્મેશ જીવનની ક્ષણભંગુરતા, અનીશ્ચીતતા, અને ભયો સતાવતા રહ્યા છે. આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક સર્વશક્તીશાળા અસ્તીત્વની હમ્મેશ ખેવના કરી છે, જે તેને આ વીદારી નાંખે તેવી વીટંબણાઓમાં સધીયારો આપે, રક્ષણ આપે, ઉગારે. વળી તેની તર્કસંગત વીચારસરણી વડે તે એ પણ જોઈ શકે છે કે, કોઈ ઘટના કારણ વીના ઘટતી નથી. તો આટલું જટીલ જગત અને જીવન એની મેળે તો ન જ બન્યું હોય ને? આથી એણે એવા અસ્તીતવની પરીકલ્પના કરી કે જે બધા સર્જનનો સર્જક હોય. તેણે એવી મહાન શક્તી પણ ઈશ્વરમાં કલ્પી કે જે નકારાત્મક તત્વોને સંહારી, સત્ય અને શુભની સ્થાપના કરે.
આમ માણસ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો છે. તેના ચીત્રો, તેનાં શીલ્પો બનાવતો રહ્યો છે. કોઈ તેને સાકાર કલ્પે છે – કોઈ નીરાકાર. પણ માણસને ઈશ્વર વીના ચાલ્યું નથી. અને આમાં કશું ખોટું પણ નથી. નાસ્તીકો આ વાતને નહીં સ્વીકારે. પણ જીવનના સંઘર્શોને પહોંચી વળવા આ માન્યતા થકી માણસને અસીમ બળ મળતું હોય તો તે ઘટીત છે જ. કોઈ પણ માન્યતા આપણને સક્રીય બનાવતી હોય, શક્તીમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાંગ ભરાવી શકતી હોય, એકબીજાની સાથે પ્રેમભાવના અને ભ્રાત્રુભાવ પ્રગટાવતી હોય તો તે ઈચ્છવા યોગ્ય જ ગણાવી જોઈએ.
માત્ર આટલે સુધી જ આ માન્યતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ પણ ઉભી થઈ. મેં ઈશ્વરની જે કલ્પના કરી હોય તે બીજા કોઈની કલ્પના કરતાં જુદી હોય તો તેનો ઈશ્વર અને મારો ઈશ્વર ટકરાય, બાખડે – અથવા તે ઈશ્વરો વતી અમે બે બાખડીએ! લોહી રેડાય, અને શક્તીમાન થવાની લાહ્યમાં હું અવલમંજીલ પણ પહોંચી જઉં! હજારો વર્શોથી આવા લોહીયાળ સંઘર્શો થતા આવ્યા છે – કરુણાના સાગર સમા ઈશ્વરના નામ પર.
અરે એક જ ધાર્મીક માન્યતામાં પણ ખટરાગ પેદા થયા. અને ફાંટા પડ્યા. જીસસ એક જ – પણ કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, પ્રેસ્બીટેરીયન, બેપ્ટીસ્ટ, સીરીયન વી. ફાંટાઓ જુદા જુદા. વૈશ્ણવ, શૈવ, શાક્ત, સ્વામીનારાયણ, રાધાસ્વામી… અરે સ્વામીનારાયણમાંય અલગ અલગ ફીરકાઓ. ઈશ્વરને કેમ ભજવો તેના વીવાદ! મુળ મુદ્દે ઈશ્વરના નામે ભેગી થતી અઢળક સમ્રુધ્ધી, સત્તા, શક્તી અને અનુયાયીઓની ફોજ પર આધીપત્યની મુઠ્ઠીભર વ્યક્તીઓની સ્વાર્થી લાલસાઓ.
બીજી એક આનાથી પણ વધુ હાનીકારક ખરાબી સર્જાઈ તે એ કે, હું ઈશ્વરની આરાધના કરું, એટલે મારું બધું ઉત્તરદાયીત્વ સમાપ્ત. હજાર હાથવાળો બાકીનું બધું સંભાળી લેશે! સાવ અકર્મણ્યતા. મહમ્મદ ગઝની સોમનાથ પર ચઢી આવ્યો ત્યારે તેનો સામનો કરવાને બદલે, ભગવાન શંકર એને જેર કરી નાંખશે તે આશામાં તેને પુજતા રહ્યા. સર્વ શક્તીમાન પ્રભુની કેટકેટલી મુર્તીઓ પામર યવનોના આક્રમણને ખાળી ન શકી.
બીજા સંદર્ભમાં આ માન્યતાઓનો આગ્રહ એટલો બધો કે, તેના ગુરુઓ કહે તે સીવાય એક હરફ પણ ઉચ્ચારે તે પાપી. તેને માટે શીક્ષાઓ તૈયાર. સહેજ વીરોધી સુર કાઢવા માટે ખ્રીસ્તી પાદરીઓએ ખ્રીસ્તી બ્રુનોને જીવતો સળગાવી દીધો. અને આ બધું એ પરમક્રુપાળુ , દીનદયાળ, કરુણાના સાગરના નામે.
અને ભગવાનના પુજન અને અર્ચનમાં મગ્ન આપણે ભગવાનને છપ્પન ભોગ ધરાવતા રહ્યા, સામૈયાઓ કરતા રહ્યા, અન્નકુટો અને યજ્ઞો યોજતા રહ્યા અને એ દરીદ્રનારાયણના મહાલયની પાછલી ભીંતે દરીદ્રતા કણસતી રહી. ભુખ્યાંને રોટલો આપવાની માનવતા ભુલાઈ. નાગાં પુગાં માનવીઓનો તારણહાર મોંઘાદાટ રેશમી વાઘામાં મહાલી રહ્યો. જે મહેનતકશ માનવીઓ આખા સમાજની ગંદકી સાફ કરે, તેમને એ મહાલયમાં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની ઝુંપડીનો દીવો બુઝાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમાં ઝળહળી રહ્યો.
મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?
- કૃષ્ણ દવે
અને આ બધી અવઢવમાં ઈશ્વર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમાં આવી ગયો. જે સર્વ શક્તીમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મુક પ્રેક્ષક બની ગયો.
માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો……
શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો?
ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનનીય અંદર એ તો મહાલે છે. ‘હું’ ને ઓળખીશું એટલે તે ઓળખાઈ જશે.
મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર. પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે….. મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.
હું માનવી માનવ થાઉં તો ઘણું.
10 comments January 9, 2008
હું
સૌથી વધારે વપરાતો, સૌથી અગત્યનો અને માત્ર એક જ અક્ષરનો શબ્દ !
દુનીયામાં ગમે ત્યાં જાઓ, કેન્દ્રસ્થાને તો ‘હું’ જ હર હમ્મેશ રહેવાનો. આખી દુનીયા આપણી આજુબાજુ ફરતી જ રહે . માત્ર ’ હું’ જ એક જ સ્થાને , હર ઘડી અવીચળ રહ્યા કરવાનો. સનાતન કાળથી આ જ પ્રશ્ન માણસને મુંઝવતો આવ્યો છે અને એનો જવાબ માણસ હજુ સુધી જાણી શક્યો નથી.
( આ વીચારની મારી કવીતા વાંચવા અહીં ‘ક્લીક ‘ કરો. )
“ આ ‘હું’ કોણ છે? ! ”
[ મારા પરમ મીત્ર શ્રી. પ્રફુલ્લ દવે ની, 'હું' વીશે મને બહુ જ ગમતી, એક રચના વાંચવા અહીં ' ક્લીક' કરો. ]
હા! તેને જીવ, આત્મા, જીવાત્મા , સોલ વીગેરે ઘણા નામ આપવામાં આવ્યા છે. પણ તે અગોચર, ત્રણ પરીમાણોથી પર કાંઈક છે. દરેકનો ‘હું’ અલગ સ્વભાવ, અલગ અભીગમ ધરાવે છે. અરે! આપણા પોતાના ‘હું’ માં પણ જન્મ પછી કેટકેટલાં પરીવર્તન આવ્યાં છે? હું હવે ક્યાં બાળક કે કીશોર કે યુવા ‘હું ‘ જેવો રહ્યો છું ? તેનાં કેટકેટલાં સ્વરુપો છે? કુટુમ્બમાં માતા, પીતા, ભાઈ બહેન, પત્ની, સંતાનો સાથેનું મારું વર્તન કેવું જુદું જુદું રહેતું હોય છે? કામની જગ્યાએ કે મીત્રો કે દુશ્મનો સાથે એ જ જણ જુદી જુદી પ્રતીક્રીયા કરતો હોય છે !
આપણા મનમાં સતત વીચારોની હારમાળા ચાલતી રહેતી હોય છે. આ એક ‘હું છે. તે મહોરાં બદલતો રહે છે. પરીસ્થીતી અને સામેની વ્યક્તી કે વ્યક્તીઓ બદલાય તેમ આ મહોરાં પણ બદલાતાં રહે છે. વીચારો આ મહોરાં પર આધાર રાખે છે.
પણ આની સાથે આપણે સતત એક બીજા ‘ હું ‘ ની અનુભુતી પણ કરતા રહીએ છીએ, જે આ વીચારોની પાછળ રહી નીહાળતો રહે છે, મુલ્યાંકન કરતો રહે છે. વીજ્ઞાન પણ આ બાબતને સ્વીકારે છે. સામાન્ય રીતે તે આંતરમન ( Sub-conscious Mind) તરીકે ઓળખાય છે. આપણે ઘણીવાર જોયું છે કે ક્વચીત, મનના વીચારોની હારમાળાની ઉપરવટ જઈ કોઈ સ્પાર્ક જેવો વીચાર આવી જતો હોય છે ; અને તે મનના નીર્ણયોને બદલવાની ક્ષમતા ધરાવતો હોય છે. સાવ અંધારામાં, નીરાશાના ગર્તામાં ડુબેલા માણસને એકાએક કોઈ પ્રકાશનું કીરણ મળી ગયું હોય તેમ તે છલાંગ મારીને આ નીરાશા ખંખેરી શકે છે. આવી ક્ષણે જીવનની દીશા જ બદલાઈ ગઈ હોય; તેવી અનુભુતી આપણને થાય છે. જીવનમાં આવો વળાંક આવેલો ઘણાએ અનુભવેલો છે. આના થકી સાવ સામાન્ય માણસ પણ અસામાન્ય સીધ્ધી હાંસલ કરી શકે છે.
અહીં આપણી ચર્ચા આ ‘ હું ‘ સાથે છે. આ ‘હું ‘ ને કળવો , જાણવો બહુ કઠણ છે. તે કદીક જ પાર્શ્વભુમીમાંથી બહાર આવે છે. કદાચ આ આપણો સાચો ‘ હું ‘ છે.
ધર્મગ્રંથો આપણને ઢોલ પીટી પીટીને કહે છે કે ‘હું’ પણાનો ત્યાગ કરો. અહમ્ ને ઓગાળી દો. તેને ભુલાવી દો. પ્રતીક્રીયા ન કરો. સ્થીતપ્રજ્ઞ બનો. સીદ્ધાંત તરીકે આ બહુ જ આકર્શક લાગે તેવો સીદ્ધાંત છે. પણ તે બહુ જ મુશ્કેલ છે. સામાન્ય જન માટે તો ખાસ મુશ્કેલ છે. જ્યાં આપણે ‘હું’ને સમજ્યા જ નથી ત્યાં તેનો ત્યાગ શી રીતે કરી શકીએ?
મારા અંગત મંતવ્ય પ્રમાણે ‘ હું ‘ ને સમજવાની પ્રક્રીયા છે – ‘અંતરની વાણી’ ને ઉજાગર કરવાની. આપણા આંતરમન સાથે સંવાદ વધારવાની. આપણે પોતાની જાત સાથે સંવાદ કરતાં બહુ જ ડરતા હોઈએ છીએ. મોટાભાગે એવો સંવાદ થતો જ નથી હોતો. જે કાંઈ વીચાર આપણા બાહ્ય મનમાં ઉદ્ ભવે છે તે બહુધા ઘટનાઓના સંદર્ભમાં જ હોય છે. માત્ર ભાવજગતમાં જ અંતરમન સાથે સંવાદ સંભવીત છે – શબ્દોથી પર, વીચારોથી પર. આપણને કોક જ વાર અંતરનો અવાજ સંભળાઈ જતો હોય છે. જ્યારે આમ બને ત્યારે આપણે તે ‘હું’ સાથે આત્મસાત્ થતા હોઈએ છીએ.
મારા નમ્ર મંતવ્ય પ્રમાણે કોઈ ગુરુ કે ગ્રંથ આ સંવાદ જગાડી ન શકે. હા! તે સંબંધી માર્ગદર્શન કદાચ મળે. પણ તે સ્થીતીએ પહોંચવા પોતે જ પ્રયત્ન કરવો પડે. સ્વાનુભવે એમ ચોક્કસ જણાવું કે જ્યારે આપણે આ ‘હું’ સાથે પ્રામાણીક હોઈએ છીએ ત્યારે જ આપણું જાગ્રુત રુપ અને પ્રચ્છન્ન રુપ એકાકાર બને છે. આમ થાય તો જ આપણે આપણી જાતને વધુ ને વધુ જાણતા થઈ શકીએ છીએ.
આ વાત બહુ જટીલ લાગે છે ને? હા ! તે જટીલ જ છે. પણ એટલી જ સરળ પણ છે! અંતર્મુખી બનવાનું જેટલું કઠણ છે તેટલું જ સરળ છે. કોઈ કહેશે ,’ આ બધી કડાકુટમાં પડવાની જ શી જરુર ? જીવન મોજથી જીવોને? શેં આવી જટીલ વ્યથાઓ વહોરવી?’
સપાટી પરના જીવન માટે આ વીચારસરણી અયોગ્ય પણ નથી. ‘ જેમ ચાલે છે તેમ ચાલવા દો ને બાપલા !!! ‘
પણ જો જીવનને સંવેશનશીલ બનાવવું હોય, સર્જનાત્મક બનાવવું હોય, ન ખુટે તેવા આનંદથી, ચૈતન્યથી સભર બનાવવું હોય; તો આવા સંવાદનો કોઈ વીકલ્પ નથી. જ્યારે આપણી મનોચેતના આ સ્તરની વીચારસરણીને સ્વીકારે છે ત્યારે જ આવા વીકલ્પની અભીપ્સા જાગે છે. અને ત્યારે જ આપણું આંતરીક પરીવર્તન શક્ય બને છે. એક વખત આ ‘અંતરની વાણી’ નો સ્પર્શ થાય પછી આપણે રોકાઈ ન શકીએ, તેવી ચેતના અનુભવવા માંડીએ છીએ. જગતની કોઈ તાકાત ન રોકી શકે તેવી ચેતના, તેવો આનંદ, તેવું સત્ય. આ સ્થીતી જેમણે પ્રાપ્ત કરી છે, તે લોકોત્તર મનુશ્યોએ તેમના જીવનમાં અકલ્પ્ય સીધ્ધીઓ પ્રાપ્ત કરી છે. સામાન્ય માણસ ન કરી શકે તેવા અદ્ ભુત કામો કર્યા છે.
આંતરમન સાથેનો સંવાદ અથવા ભાવજગતમાં વીચરણ કરવાના અનેક રસ્તાઓ છે. પ્રાર્થના, જપ, ધ્યાન, ભક્તી, વીપશ્યના વી. વી. આ ઉપરાંત પણ બીજા રસ્તા હોઈ શકે, અને છે. પણ ઉદ્દેશ છે વીચારોના સામાન્ય સ્તરથી અલગ, કોઈ અપેક્ષા વીના પોતાની જાત સાથે રહેતા થવું તે. કોઈ પણ રસ્તો અપનાવો; પાયાની શરત એ છે કે એમાં કોઈ દુન્યવી લાભ ખાટવાની, કામનાઓ સંતોશવાની એશણા ન હોઈ જોઈએ. અરે! પરમ તત્વને પામવાની, મોક્ષ મેળવવાની પણ અભીપ્સા ન હોવી જોઈએ. કેવળ નીર્ભેળ, નીસ્વાર્થ, નીર્વીકાર અને નીર્દોશ – જાત સાથેની ગોઠડી.
જ્યારે આમ બને છે ત્યારે જ અંતરનો નીઃશબ્દ અવાજ સંભળાય છે અથવા તેની અનુભુતી થવા માંડે છે. ત્યારે જ ‘હું’ ની ઓળખ શરુ થાય છે – કોઈ મહોરાં વગરનો ‘ હું’ . વીજ્ઞાન આને ન સ્વીકારે પણ વીજ્ઞાનની અત્યંત મહાન શોધો વીજ્ઞાનીના મનમાં આવા કોઈ ઝબકાર કે ધબકાર થી થયેલી છે.
આમ કેમ થાય છે તે જાણવાની મને સહેજ પણ પડી નથી. આત્મશ્લાઘા ગણાવાના સંદેહની ઉપરવટ જઈને અહીં એક વાત જગજાહેર કરું છું કે, ચૈત્ય જગતનો એ સ્વાદ એક વાર ચાખ્યા પછી; એ શાંતી, એ આનંદ, એ ચૈતન્યનો અનુભવ એક વાર કર્યા પછી; મહોરાંની દુનીયામાં પાછા વળવા કોઈ કામના રહી નથી. એ સ્પર્શે આ બુઢ્ઢાને બાળક બનાવી દીધો છે.
દુખ માત્ર એ જ વાતનું થાય છે કે આખા વીશ્વમાં આવા અનુભવથી હજારો ગણા બળવત્તર અનુભવ પામેલા અને ચેતનાના ઉચ્ચતમ શીખરે પહોંચેલા લોકોત્તેર વ્યક્તીઓના સેંકડો અનુયાયીઓએ આ કલ્યાણકારી અને શુભ જીવનપધ્ધતીને સ્વાર્થ સીધ્ધીનું એક સાધન માત્ર બનાવી દીધી છે.
માટે જ એ ઉક્તી દોહરાવું છું કે
પોતાના ‘હું ‘ ને સૌએ સ્વપ્રયત્નથી ઓળખવાનો છે. આવા પ્રયત્નનો બીજો કોઈ વીકલ્પ નથી, નથી અને નથી જ ; અને આ પ્રયત્ન કરવા જેવો છે.
2 comments January 7, 2008
પુનર્જન્મ
આજે ‘ પુનર્જન્મ’ અથવા મ્રુત્યુ પછીની જીવની અવસ્થા વીશે કાંઈક કહેવું છે.
ખ્રીસ્તી માન્યતા છે ‘ડે ઓફ જજમેન્ટ ‘ ; મુસ્લીમ માન્યતા છે ‘ક્યામત ‘. —- એ દીવસે પાપ પુણ્યનો હીસાબ પરમાત્મા કરશે અને પુણ્યશાળી સ્વર્ગમાં અને પાપી નર્કમાં જશે.
હીન્દુ / બૌધ્ધ માન્યતા છે ‘પુનર્જન્મ’ , – મ્રુત્યુ બાદ સારાં કર્મો કરેલાને ઉચ્ચતર યોનીમાં જન્મ મળશે અને ખરાબ કામ કરનારને નીમ્ન યોનીમાં જન્મ મળશે. જેણે પરમાત્માની જીવનભર સાધના કરી હોય તેનો મોક્ષ પણ થાય અને તે દેવલોકમાં કે સ્વર્ગમાં જાય.
ઈજીપ્તની સંસ્ક્રુતીની વળી પોતાની માન્યતા હતી.
આમ અહીં પણ શું સાચું અને શું નહીં તે વીશે જાતજાતની માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે. આમાંની કોઈની પણ સત્યતા પુરવાર કરવી લગભગ અશક્ય છે. હું જે સમાજમાં ઉછર્યો છું તે હીન્દુ સમાજમાં પુનર્જન્મનો ખ્યાલ દ્રઢીભુત થયેલો છે અને આથી મારા મનમાં પણ તે ઘણા વર્શ રમતો રહ્યો છે. આપણા સંસ્કાર આવતો જન્મ સુધારવાની તાલાવેલી જગાડે છે. અને આ જન્મમાં સત્કાર્ય કરવા પ્રેરે છે.
પણ મારે એક અગત્યની વાત કરવી છે તે સાવ જુદી જ છે. હીન્દુ માન્યતા પ્રમાણે ધારો કે, આપણે એક વાર સ્વીકારી લઈએ કે , પુનર્જન્મ સાચી અને અસ્તીત્વ ધરાવતી પ્રક્રીયા છે. જેણે આ માન્યતા શરુ કરી હશે તેનો એક બહુ જ શુભ આશય એ હશે કે, માણસ ‘ બીજા જન્મમાં આ જન્મમાં કરેલા કર્મોનું ફળ ભોગવવું પડશે’ ; તે કારણે આ જન્મમાં સમાજમાં સ્વીકાર્ય નીતીનીયમો પાળે અને નીતીમય, શીલમય જીવન જીવે. સામાજીક વ્યવસ્થાના સ્વાસ્થ્ય માટે આ વીચાર બહુ જ ઉપયોગી છે અને સદાચારને પુશ્ટી આપે છે, માટે તે અવશ્ય શુભ છે.
પણ દરેક બાબતમાં બને છે , તેમ અહીં પણ આને કારણે બહુ મોટી વીક્રુતીઓ આપણા સમાજમાં, આપણા માનસમાં ઘર કરી ગઈ છે. કોઈ માણસ દુખી હોય તો આપણે તરત સમાધાન કરી લઈએ છીએ, કે એ તો એના ગયા જન્મના દુશ્ક્રુત્યોને કારણે હશે. આપણે એમાં કશું કરી ન શકીએ. આવા વીચારોથી આપણી કરુણા અને દયાભાવનાને બહુ ચાલાકીભરી રીતે આપણે તીલાંજલી આપી દઈએ છીએ.
વળી આપણા પોતાના આ જન્મમાં પણ નસીબને કે ગયા જન્મને દોશ દઈએ છીએ અને આપણા દુર્ભાગ્ય માટે આંસુ સારી, હાથ જોડીને બેસી રહીએ છીએ. આપણે આપણા કર્તવ્ય કે પુરુશાર્થથી વીમુખ બનવા માંડીએ છીએ. આ બધું સામાજીક અને વ્યક્તીગત અહીત કરનારું છે. અલબત્ત સમજદાર લોકો આ સીદ્ધાંતને બરાબર સમજી પોતાના આચાર નીતીમય બનાવવા પ્રયત્ન જરુર કરે છે , પણ બહુધા તો આ સીદ્ધાંતનો દુરુપયોગ જ થતો જોઈ શકાય છે. આવતા ભવને સુધારવા આ ભવમાં જીવવાનું કઠણ બનાવવું , દુશ્કર બનાવવું , કર્મણ્યતાથી વીમુખ રહેવું – આવું બધું ઘણું નકારાત્મક બની રહ્યું છે.
આથી મારા પોતાના અંગત ઉપયોગ માટે મેં એમ નક્કી કર્યું છે કે, મારો પુનર્જન્મ થાય કે ન થાય; અને થાય તો કયા રુપે થાય છે તે વીચારવાનું છોડી, આ જન્મમાં જ નીતીપુર્વક જીવું તે વધુ જરુરી છે. આજનો દીવસ હું કોઈને મદદરુપ થાઉં તો તો ઉત્તમ; પણ કમસે કમ કોઈને હાની ન પહોંચાડું તો પણ ઠીક. મ્રુત્યુ બાદ જેને હું ‘હું’ કહું છું તેનું શું થશે તે મારા નીયમન બહારની વાત છે અને માટે તેનો વીચાર કરવો વ્યર્થ છે. જો મારો જીવ સ્વર્ગમાં કે નર્કમાં જવાનો હોય કે તેનો મોક્ષ થવાનો હોય તો તે માટે મારે બહુ ચીંતા કરી આ જીવનને, આ ભવને દુર્બળ બનાવી મડદાલની માફક જીવવું મને સાવ અયોગ્ય લાગે છે.
મને લાગે છે કે, આ ભાવ પુનર્જન્મની માન્યતા કે અમાન્યતા બન્નેની વચ્ચેનો મધ્યમ માર્ગ છે. અને માન્યતાના નકારાત્મક ભાવ કરતાં વધુ શ્રેયસ્કર છે – અલબત્ત મારા માટે.
જો તમને આ ઠીક લાગે તો આવી તરખડમાં પડ્યા કરતાં સુખ, આનંદ , ભાઈચારો, સહકાર, સાહસ વી, સમાજને બે ડગલાં આગળ લઈ જતી પ્રવ્રુત્તીઓમાં મન પરોવજો.
1 comment January 6, 2008
અધ્યાત્મ
હમણાં આ વીશય ગદ્યસુર પર ઠીક ઠીક ચર્ચાયો. આ વીશય ઉપર માનવજાતના દરેક પ્રદેશમાં હજારો વર્શોથી અસંખ્ય પુસ્તકો લખાયા છે; અનેક ભકતો, સંતો, કવીઓ, વીચારકો, દાર્શનીકોએ આ વીશયમાં અનેક દ્રશ્ટીબીંદુઓ રજુ કર્યા છે, ચર્ચ્યા છે. આ બાબતમાં આ નાનકડી પીઠીકા ઉપર કાંઈક લખવું તે અનધીકાર ચેશ્ટા છે.
પણ મારા વીચારોની રજુઆત કરવી, એ મને મારો ધર્મ લાગ્યો માટે અહીં થોડીક મુદ્દાની વાતો પર મારા વીચારો સંક્ષીપ્ત રીતે રજુ કરવા છે. વાંચનારના એ સાથે સહમત કે અસહમત હોવાના અધીકારનો હું પુર્ણ રીતે આદર કરું છું. મુકત મને કોઈની પણ સાથે તે ચર્ચવા મારી પુર્ણ તૈયારી છે. મારી વીચાર પદ્ધતીમાં એનાથી નવો પ્રકાશ પડશે; તે માટે આ વીચારોની સાથે અસહમત થનારનો આગોતરો આભાર માની લઉં છું.
—————-
માણસના મનના વીકાસ સાથે જ્યારે તેની વ્રુત્તીઓએ પ્રાણીજગતની વ્રુત્તીઓથી સહેજ ઉર્ધ્વગતી કરી હશે ત્યારથી જ કદાચ તેને આ પાયાના પ્રશ્નો થવા માંડ્યા હશે.
-
હું કોણ છું ?
-
જીવન અંત પામે પછી ‘હું’ નું શું થાય છે?
-
આ વીશ્વની બધી ચીજો અને ખાસ તો સજીવ સ્રુશ્ટી કોણે બનાવી છે?
આ પ્રશ્નોના અસ્તીત્વ વીશે કોઈ બેમત નથી. વીજ્ઞાન તેમ જ અધ્યાત્મ બન્ને માટે. વીજ્ઞાન પાસે આ પ્રશ્નોનો કોઈ ઉકેલ હજુ નથી. અદ્યાત્મના ક્ષેત્રમાં આખા વીશ્વમાં અનેક વીચારકોએ આ બાબતમાં પોતાના વીચારો કે કલ્પનાઓ રજુ કર્યાં છે. સમસ્ત વીશ્વના ખુણેખાંચરે, એક બીજાથી સાવ અલગ રીતે આમ થયું છે. સંસ્ક્રુતીના આરંભકાળથી સુમેર પ્રજા, ઈજીપ્તની સંસ્ક્રુતી, સીંધુ નદીની સંસ્ક્રુતી, હીન્દુ, તાઓ, ઝેન, જાપાની, યહુદી. ગ્રીક, રોમન, ખ્રીસ્તી, મુસ્લીમ, જૈન, બુધ્ધ, જરસ્થુસ્તી … અરે માઓરી, એસ્કીમો, આદીવાસી અને હબસી પ્રજાઓએ પણ આ બાબતમાં પોતપોતાની આગવી વીચાર ધારાઓ સર્જાવી છે. આના આધારે જાતજાતના ઈશ્વરોની કલ્પનાઓ, વીશ્વાસો , મુર્તીઓ, અમુર્તીઓ માણસજાતમાં અસ્તીત્વમાં આવ્યાં છે. દરેક માણસ તેની શ્રદ્ધા પ્રમાણે આમાંની કોઈ ને કોઈ માન્યતા સાથે સંકળાયેલો છે. કોઈક આ બાબતમાં સાવ નાસ્તીક પણ છે. લેખીત સાહીત્ય, શીલ્પ, ચીત્ર, સંગીત, ન્રુત્ય આ બધી લલીત કળાઓમાં વીશ્વભરમાં આ માન્યતાઓના આધાર પર ઘણું સર્જન થયું છે અને થતું રહેશે. કદાચ આ દરેક ક્ષેત્રમાં આ માન્યતાઓના આધાર પર સૌથી વધારે રચનાઓ થયેલી છે.
આથી માત્ર તર્કના આધારે કોઈ એમ કદાપી કહી ન શકે કે, આમાંની કોઈ પણ માન્યતા ખોટી છે. આ વીશય તર્કથી પર છે, અને રહેશે જ; એ નીર્વીવાદ છે. એ શ્રધ્ધાનો વીશય વધુ છે. કોઈ એમ કહે કે આ માન્યતાઓ ખોટી છે અને તેમને દુર કરો, તો તેમ કદાપી થશે નહીં. કોઈ તે માનશે પણ નહીં.
ઉલટાનું વીજ્ઞાન પણ એ ધીમે ધીમે સ્વીકારવા લાગ્યું છે કે, કોઈક આધીભૌતીક તત્વ કે સીસ્ટમ છે. થોડા વખત પર ‘ રીડર્સ ડાયજેસ્ટ’ માં એક લેખ વાંચ્યો હતો, ‘ Are we wired for divinity?’ એમાં ઈ.ઈ.જી. ના આધારે એમ પ્રતીપાદન કરેલું હતું કે, જ્યારે માણસ બહુ તાણમાં હોય, ત્યારે તેના મગજનું એક કેન્દ્ર અત્યંત ઉત્તેજીત થાય છે. ધ્યાન કે પ્રાર્થના કરવાથી તેની ઉત્તેજના ઘણી ઓછી થાય છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ હજુ મળ્યો નથી. પણ કાંઈક કારણ તો હશે જ , તેમ માનવું સાવ તાર્કીક છે. વીજ્ઞાન એ તો હમ્મેશ સ્વીકારે છે કે, કોઈ પણ ઘટના કારણ વીના ઘટતી નથી. દરેકની પાછળ એક કે વધુ પરીબળો કામ કરતાં હોય છે.
આ જ રીતે અમુક એક માન્યતા જ સાચી છે; એમ માનવું પણ બહુ ભુલભરેલું છે. આવી ભુલભરેલી માન્યતાઓને કારણે વીશ્વમાં સૌથી વધારે અનર્થો, ગેરસમજુતીઓ, યુધ્ધો, વ્યથાઓ, અન્યાયો સર્જાયા છે. અને આવી જ માન્યતાઓના આધાર પર વીવીધ ધર્મો અસ્તીત્વમાં આવ્યા છે. કદાચ આને કારણે ધર્મો અને ધાર્મીક સંસ્થાઓ વગોવાયાં પણ છે.
આથી મારા પોતાના માટે મેં એમ વીચાર્યું છે કે, આ બધી તરખડમાં શા માટે પડવું? જીવન કેટલું ટુંકું અને અમુલ્ય છે? તેની એક પણ ક્ષણ આવા વીવાદ માટે શા માટે ખર્ચું? મારા જીવનનો એક નાનકડો ટુકડો – આજનો દીવસ, આ ક્ષણ જો સભર રીતે જીવું, કોઈને મદદરુપ બની જીવું; આનંદનો, સમજદારીનો, ભાઈચારાનો વ્યાપ થાય તેમ જીવું તો ય ઘણું છે. આત્મા અને પરમાત્મા તેમનું સંભાળી લેશે. મારે તેમની કોઈ ચીંતા કરવાની જરુર નથી. અને એ કહેવાતો પરમાત્મા એટલો તો મોટો છે કે તે મારી બાથમાં ક્યાંથી આવે? એ સર્વશક્તીમાનને લાયક હું હોઈશ કે બનીશ , તો તે સમજદાર જણ જરુર કાંઈક સારું જ કરશે. હું કોઈ માન્યતામાં વીશ્વાસ રાખું, પણ તેના પાયાના સીધ્ધાંતોનું પાલન ન કરું, એ તો અપ્રામાણીકતા છે. માટે પ્રામાણીક રીતે આવી કોઈ પણ વીચારધારાથી દુર રહેવાનું મને વધુ યોગ્ય લાગે છે.
અને મોટા પરીપ્રેક્ષ્યમાં, સામાજીક ક્ષેત્રે વીચાર અને વર્તન વચ્ચે આભ જમીનનું અંતર જોઈ મન કકળી ઉઠે છે. લોકો સાવ સામાન્ય તર્કને પણ બાજુએ મુકી કેવળ અંધશ્રધ્ધામાં સબડે છે અને હાથે કરીને દુખી થાય છે ત્યારે અંગત રીતે મને બહુ જ દુખ થાય છે. પ્રત્યેક જાતી, ધર્મ અને પ્રદેશમાં, જે લોકો અને સંસ્થાઓ સમાજને આ બાબતમાં દોરવાનો, માર્ગદર્શન આપવાનો દાવો કરે છે; તે જ વ્યક્તીઓ અને સંસ્થાઓને જ્યારે લોકોની શ્રધ્ધાનો આ બાબતોમાં પોતાના સ્વાર્થી લાભ માટે દુરુપયોગ કરતાં જોઉં છું; ત્યારે તેની સામે ચુપ બેસી રહેવું તે મને મારી નૈતીક નબળાઈ, અપ્રામાણીકતા લાગે છે. આની સામે મારો આક્રોશ વ્યક્ત ન કરું અને મારું સંભાળીને બેસી રહું તે મને મારી કેવળ કાયરતા લાગે છે. એ કાયરતામાંથી ઉભા થઈ મારી તતુડી વગાડવાના મારા અધીકારનો ઉપયોગ કરવાનો આ એક પ્રયાસ છે.
ઉપર જણાવેલા પાયાના બે ત્રણ મુદ્દાઓ પર મારા વીચારો … આવતા અંકોમાં ….
5 comments January 5, 2008
બાળકની પ્રાર્થના
આ નાનકડા બીજમાં તાકાત છે અને મારામાં પણ.
આ નાનકડાં બીજમાંથી ફણગો ફુટશે; ડાળીઓ અને પાંદડાં ફુટશે. અને જોતજોતામાં એ મોટું વ્રુક્ષ બની જશે. એની ડાળીઓ આભને અડશે અને આખું જગત એની હરીયાળી જોઈને હરખાશે.
મ્હારા વ્હાલા પ્રભુ! હું ય આ બીજની જેમ મોટો થઈશ અને તને પહોંચીશ અને જે બનવા માટે તેં મારું નીર્માણ કર્યું છે, તે બનીને જ હું રહીશ.
- કેરોલીન વાર્વેલ ના મુળ અંગ્રેજી સંદેશા પરથી.
————-
There is power in this acorn
and there is power in me.
Just like the tiny acorn
that grows to be a tree,
whose branches reach to heaven
for all the world to see.
When I reach up to thee.
Lord! I’ll become,
what I am supposed to be.
- Carolyn Warvel
Visit her web site
http://www.daniellesplace.com/html/thanksgiving.html
2 comments January 1, 2008