Archive for July, 2007
લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુકલ
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું
સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.
- તુષાર શુકલ ( આખું ગીત વાંચો અને સાંભળો )
ગુજરાતીમાં સર્વાંગ સુંદર વીદાયગીતો લખાયાં છે. આવા ગીતોમાંનું આ એક ગીત છે. આને તમે કોઇ પણ વીદાય પ્રસંગે ગાઇ અને માણી શકો. પણ મને તે એક મૃત્યુગીત વધારે લાગે છે. જીવનની અંતીમ સંધ્યાએ જીવન માટેનું આવું દર્શન, મૃત્યુને છાજે તેવી ગરીમા આપી જાય છે.
આપણું જીવન અનેક ચઢાવ-ઉતારની કથા હોય છે. દરેકની પોતાની આગવી કથા. ” … દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” એવી જીંદગીને આ રીતે પણ તેના અંતીમ ચરણમાં જોઇ શકાય.
જીવનનું ગીત… ગીત જેવા જીવનનું ગીત. જે કાંઇ ગમ્યું છે તે આપીને, મહેંક પસારીને ગાયેલું ગીત. ઘનઘોર રાત્રીમાં ય ચાંદની નીહાળીને મલપતા જીવનનું ગીત.
જીવવા કાંઇક ધાર્યું હોય અને કાંઇક જુદું જ જીવી જવાય. અને છતાં ય એ વ્યથા માટે, એ ઉચાટ માટે એક જ આંસુ. બસ એક જ આંસુ. જીવનકથાની એ ડાયરીના પાનાંને સમેટતાં માત્ર એટલુ જ કહેવાનું -
“ લ્યો, અમે તો આ ચાલ્યાં. “
અને જીવન તરફનો અભીગમ – ફુલ અને ઝાકળ જેવો આ સંબંધ. બે જ ઘડીમાં ઉડી જાય, પણ ત્યાં સુધી ઝળકતું જીવન. અને છતાંય એ બે આત્મસાત તો ન જ થાય ! અંતર તો રહે, રહે ને રહે જ. બસ એ અંતર થોડું મપાયું ન મપાયું અને …
” લ્યો, અમે તો આ ચાલ્યાં.”
જીવનના પોત ઉપર આ દ્રશ્ટી આપણે રાખી શકીએ? આવું ગીત છેલ્લા શ્વાસે ગાઇ શકીએ ? અંતરની વાણીમાં ? જો એ ગવાય તો જીવ્યા. ગુંજતા ગીત જેવા , રાતરાણીની સુગંધની જેમ મહેંક ફેલાવતા જીવ્યા.
અને બીજા કોઇ સંદર્ભમાં ય આ ગીત ગાઇએ – કોઇનાથી છુટા પડીએ તો પણ આવું જ ગીત અંતરમાં ઉભરે. તો સાચી રીતે છુટા પડ્યા.
———————————————–
શ્યામલ – સૌમીલના ગીત સમારંભના અંતે, તુષારભાઇની અત્યંત મધુર વાણીમાં, આ કાવ્યના રસદર્શન સાથે જ્યારે છુટા પડવાનું થયું; ત્યારે તખ્તા પરના સૌ અને સાંભળનાર સૌની વચ્ચે જે આત્મીયતા – ફુલ અને ઝાકળ જેવી આત્મીયતા સ્થપાઇ તે આ વીચારનો , આ ભાવનો પ્રતીસાદ પાડતી હતી.
3 comments July 14, 2007
જીવનના પાઠ
( અંગ્રેજી પરથી – ભાવાનુવાદ )
મને ભય હતો…….
એકલતાનો
- જ્યાં સુધી મને મારી જાત માટે પ્રેમ ન થયો.
નીશ્ફળતાનો
- જ્યાં સુધી મને પ્રતીતી ના થઇ કે, હું પ્રયત્ન નહોતો કરતો ત્યારે જ હું નીશ્ફળ જતો હતો.
સફળતાનો
- જ્યાં સુધી મને પ્રતીતી ન થઇ કે, મારી જાત સાથે સુખી થવા માટે પણ મારે પ્રયત્ન કરવા જોઇએ.
લોકોના મંતવ્યોનો
- જ્યાં સુધી મને ખબર ન પડી કે, લોકોને તો હમ્મેશ મારા વીશે મંતવ્યો રહેવાના જ છે.
ફેંકાઇ જવાનો
- જ્યાં સુધી મને મારા પોતાનામાં વીશ્વાસ પેદા ન થયો હતો.
દર્દનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, વીકાસ માટે તે જરુરી છે.
સત્યનો
- જ્યાં સુધી મને અસત્યમાં રહેલી કુરુપતા ન દેખાઇ.
જીવનનો
- જ્યાં સુધી મને તેમાં રહેલું સૌન્દર્ય ન દેખાયું.
મૃત્યુનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે અંત નહીં પણ એક નવી શરુઆત છે.
ભાવીનો
- જ્યાં સુધી મારું જીવન બદલી શકવાની મારામાં ક્ષમતા છે તેની મને ખબર ન હતી.
ધીક્કારનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે અજ્ઞાન સીવાય બીજું કાંઇ ન હતું.
પ્રેમનો
- જ્યાંસુધી તે મારા હૃદયને સ્પર્શી ન ગયો અને તેણે મારા અંધકારને અનંત ઉજાસમાં પલટાવી ન નાંખ્યો.
ઉપહાસનો
- જ્યાં સુધી મને મારી જાત પ્રત્યે મજાક કરતાં ન આવડ્યું.
વૃધ્ધત્વનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, પ્રત્યેક દીવસે મારું શાણપણ વધતું જાય છે.
ભવીશ્યનો
- જ્યાં સુધી મને ખબર ન હોતી કે જીવનની ગુણવત્તા દીન પ્રતીદીન વધતી જ જાય છે.
ભુતકાળનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે તે મને હવે કોઇ નુકશાન કરી શકે તેમ નથી.
અંધકારનો
- જ્યાં સુધી મને આશાના ટમટમતા તારલાઓના સૌંદર્યની ખબર ન હતી.
પ્રકાશનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, તે જ મને સાચી શક્તી આપી શકે તેમ છે.
પરીવર્તનનો
- જ્યાં સુધી મને ખબર ન હતી કે, અતીસુંદર પતંગીયાને ઉડતા પહેલાં કોશેટાના અંધકારમાં સબડવું પડે છે.
6 comments July 5, 2007
અંધશ્રધ્ધા – આપણી સંસ્કૃતીને લાગુ પડેલો સંધીવા – સુનીલ શાહ
એક રાજયની ચુંટણી જીતવા એક ઉમેદવારે તાંત્રીકની મદદ લીધી. તાંત્રીક પાસે ચમત્કારીક શક્તી હોવાની વાત ગામ આખામાં ફેલાયેલી. એ શક્તીને કારણે લોકો પણ તેનાથી ડરે.ચુંટણીમાં જીતવા તાંત્રીકે માતાજી સમક્ષ નરબલી ચડાવવાની વાત પેલા ઉમેદવારને જણાવી. બલી માટે માણસની શોધખોળ શરુ થઈ. બલી માટે તૈયાર પણ કોણ થાય? છેવટે તાંત્રીકની નજર એક ભોળા–ગભરુ ખેડુત પર પડી. તેને ખેતી માટે જરુરી રુપીયા પેલા ઉમેદવાર પાસેથી અપાવ્યા. તાંત્રીકે પોતાના પ્રભાવથી ખેડુતને બલી માટે તૈયાર કર્યો. ગામની સીમમાં યજ્ઞની વીધી આરંભાઈ. ગરીબ ખેડુતના ગળા પર તીક્ષ્ણ છરીનો ઘા કરી તેનું લોહી કુંડમાં ચડાવાયું…તે સાથે જ તેનો દેહ નીસ્તેજ થઈ ગયો!
આઝાદીની અડધી સદી વીતાવનાર ભારત દેશમાં અંધશ્રધ્ધાના ખપ્પરમાં હોમાતાં માનવીઓના આવા સેંકડો કીસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે. આવી ઘટનાઓને શું કહીશું? અજ્ઞાનતા, મજબુરી, વહેમ, અંધશ્રધ્ધા, ડરપોકપણું કે ધર્મભીરુતા? સ્વામી સચ્ચીદાનંદજીએ કહ્યું છે ‘અંધશ્રધ્ધા એ આપણી સંસ્કૃતીને લાગુ એવો પડેલો સંધીવા છે, જે જડમુળથી કદી નાબુદ નહીં થાય. ’ સાચે જ વહેમો અને અંધશ્રધ્ધા નામના હાનીકારક જીવાણુઓ આપણી સંસ્કૃતીની નસેનસમાં ‘નહીં હટવાના’ સોગંદ ખાઈને બેઠા છે.
આદીકાળથી સુર્ય, ચંદ્ર, વરસાદ, વીજળી, વાદળોનો ગડગડાટ, ગરમી, ઠંડી જેવી ઘટનાઓ સમજવા માટે માણસે જાતજાતની કલ્પનાઓ દોડાવેલી. આ બધી કુદરતી ઘટનાઓથી ડરીને તેણે પોતાને બચાવવા અનેક ઉપાયો કર્યા. કોઈ ચોકકસ ‘શકતી‘ની કલ્પના કરી.આગળ જતાં માણસ–માણસ વચ્ચે ચોક્કસ પ્રકારની સમજ વીકસે, સમાજ સારી રીતે ચાલી શકે, ટકી શકે તેવા ખ્યાલ સાથે કેટલાક નીયમો બનાવ્યા, જેને ધર્મનું નામ અપાયું.
કેટલીક ધાર્મીક અને પરંપરાગત માન્યતાઓ માનવીની પ્રાથમીક કક્ષાની સમજ અને તેના અલ્પજ્ઞાનની નીપજ હતી તે, આજના વીકાસશીલ યુગમાં સમજાઈ ગયું છે. છતાં, જડતાએ માણસને પરીવર્તન સ્વીકારતાં રોક્યો છે. હજુ એ જ ડર, અલૌકીક શકતીમાં વીશ્વાસ, મુશ્કેલી અને દુઃખના તાર્કીક કારણો શોધવાને બદલે તાંત્રીક–માંત્રીક, ભગત–ભુવાને શરણે જવાની મનોસ્થીતી આવી દુર્ઘટનાઓ સર્જે છે. દુરાચાર અને અનીતીની કમાણી ખાનારો તાંત્રીક–ભુવાનો ચોક્કસ વર્ગ લોકોની આ માન્યતાઓનો લાભ ઉઠાવવા સદાય તત્પર બેઠો હોય છે.
અભણ–પછાત વર્ગ તો ઠીક; સુ(!)શીક્ષીત વર્ગની ધાર્મીક(!) આસ્થાએ પણ કોહવાયેલા ગુમડાંનું સ્થાન લીધું છે. જેની દુર્ગંધથી સમાજ ચોક્કસ દીશાના અધઃપતન તરફ જઈ રહ્યો છે. અંધશ્રધ્ધાયુક્ત વીચારસરણીને ધાર્મીક પ્લેટફોર્મ પરથી વધુ વીકાસ સાધવાની તક મળી છે. આપણાં ‘ગુરુઓ’ પણ જુની–પુરાણી કથાઓ, ચમત્કારની વાતો કરીને લોકોની અંધમાન્યતાઓને વધુ વેગમાન બનાવે છે. સ્વામી આનંદ, પુ.રવીશંકર મહારાજ કે સ્વામી સચ્ચીદાનંદ જેવા આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ સંતો વૈજ્ઞાનીક અભીગમ પર, માનવધર્મ પર ભાર મુકે છે. બાકી તો એ જ ચવાયેલી કથા વાર્તાઓ, સમય–શક્તીનો વ્યય…પરીણામ..? કશું નહીં.
હરદ્વારના કુંભમેળામાં ગંગામૈયા સામે એક દંપતી પોતાના નવજાત શીશુને મૈયાને ચરણે (લહેરો પર) ભેટ ધરી દે છે..પોતે નીઃસંતાન હોવાનું કારણ કોઈ આત્માની બલીની ભુખ હોવાનું માની પડોશીના દીકરાની હત્યા કરી તેનો બલી ચડાવાય છે..પોતાના દુઃખના નીવારણ અર્થે પશુઓનો વધ કરાય છે…માતાજી મેન્સીસમાં આવ્યાછે કહીને તેના લોહીવાળા કપડાં(પવીત્ર..!) વેચનાર પુજારી જયાં પૈસા કમાઈ લે છે, ડાકણ માનીને નીર્દોષ સ્ત્રીઓની આડેધડ હત્યાઓ કરાય છે…અને આ તમામ ધર્મના નામે, ધાર્મીક માર્ગના ઓથા હેઠળ..!
આ ઘટનાઓ જ આપણા માનસીક પછાતપણાનો ખ્યાલ આપતું બેરોમીટર છે. કયા માર્ગે જઈ રહ્યા છીએ આપણે? મૃત્યુ પછી મોક્ષ કે પુનઃજન્મની માન્યતા, આત્મા–પરમાત્મા, પ્રાર્થના, પુજા, જપ, હોમહવન જેવા કર્મકાંડ, પાપ–પુણ્ય, કર્મફળ વગેરેનો સરવાળો એટલે જ ધર્મ? ખરેખર તો ‘ધર્મ’ એ લોકોને તેની ફરજો, ન્યાય, સદગુણો, સદવર્તન શીખવવા રચાયેલું માળખું છે. પરંતું આપણા ધર્મગ્રંથો હજારો વર્ષો પુરાણા છે. તે સમયે રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓ સમજવાનું વીજ્ઞાન વીકસ્યું ન હતું પરીણામે પોતીકી સમજ મુજબ કારણો અપાયા, ઘટનાના વીષ્લેષણ થયાં તે પછી વીજ્ઞાનના વીકાસની સાથે સાથે તેમાં પરીવર્તન કરવાને બદલે સ્થગીતતા આવી ગઈ. તેને લીધે વૈજ્ઞાનીક વીકાસની સાથે વૈજ્ઞાનીક માનસ ન ઘડાયું.
જો આપણે જીવનની બધી બાબતોને વીજ્ઞાનની એરણ પર ચકાસતાં જઈશું, વીચારધારામાં વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણ લાવીશું તો રીત રીવાજો હોય કે ક્રીયાકાંડ, તેની નીરર્થકતા જાહેર થયા વીના રહેશે નહીં. બાકી તો વોહી રફતાર..જાહેર માર્ગ પર ધાર્મીક સરઘસ કાઢો, નમાજ પઢો, આરતી ઉતારો – ટ્રાફીકની ઐસી તૈસી. રસ્તો આપણા દાદાનો જ છે ને! ટીલાં–ટપકાં કરો, ભજન કરો, વરસાદ માટે યજ્ઞો કરો કે પુણ્ય કમાવાના ચક્કરમાં પોતાને લુંટાવી દો.
આપણે જીવન સાગરને ખરેખર તરવો છે કે માત્ર છબછબીયાં કરી સંતોશ માનવો છે? હા, એટલું તો ચોક્કસ છે કે, આપણે ડુબી જવાનો જ નીશ્ચય કર્યો હોય તો આપણા નીશ્ચયનો વાળ વાંકો નહીં થાય એ લખી રાખીએ!
—————————————————————-
એક સુવીચાર
અંધશ્રધ્ધાને તીલાંજલી આપશો અને કુદરતનો અભ્યાસ કરશો, તો તેમાં તમને અદભુત સુસંગતતાના દર્શન થશે.
– સ્વામી વીવેકાનંદ
2 comments July 3, 2007
ચાલો અભણ થઇએ – ભાગ -2
ભાગ – 1 લખ્યા પછી ઘણા સંદેશા મળ્યા. વાચકોના મગજમાં મુખ્ય વાત એ ઘુમરાતી લાગી કે આ બધું ભણ્યા તે શું નકામું? તે બધું ભુલી જવાનું?
બહુ જ સાચી અને વજુદવાળી વાત. આપણે જે ભણ્યા તેના થકી તો આપણો જીવનનીર્વાહ ચાલે છે. તેને તો ન જ છોડી દેવાય ને? તો પછી શું છોડવાનું ? શું ભુલી જવાનું?
જે ભુલી જવાની વાત છે તે દરેક ચીજને, દરેક પરીસ્થીતીને મુલવવાની આપણી ટેવની વાત છે. આપણા જોખવાના કાંટા, આપણા ચશ્માં, આપણી પ્રતીક્રીયાઓ આ બધામાં આમુલ પરીવર્તનની વાત છે. આપણી માન્યતાઓ, આપણા પુર્વગ્રહો, આપણા ગમા- અણગમા … આ બધાને બાજુએ મુકવાની વાત છે. એ બધામાં ‘ઢ’ બનીને એકડે એકથી ફરી શરુ કરવાની વાત છે.
આપણી જે કાંઇ સમસ્યાઓ છે તેના મુળમાં આ અધુરું જ્ઞાન રહેલું છે. તે જ્ઞાનને તીલાંજલી આપી નીષ્પક્ષ રીતે આપણા જીવનમાં આવતી વ્યક્તીઓ, સમસ્યાઓ, પરીસ્થીતીઓ – એ બધાંનું મુલ્યાંક્ન કરવાની વાત છે – કોઇ પુર્વગ્રહ વીના. સાવ તાજી વીચારધારાના આધાર પર.
કદાચ ઇશ્વરને બધું સમર્પણ કરવાની વાત પણ આ જ વાત છે. જાતને બાજુએ મુકી દેવાની વાત. અંતરની વાણીની વાત.
એક ઉદાહરણ -
મેં પહેલા ભાગમાં જે સેમીનારની વાત કરી હતી; તેના પહેલા દીવસના અંતે રાત્રે દસ વાગે પહેલું સત્ર સમાપ્ત થયું ત્યારે ‘ડેબુ’એ અમને એક ઘરકામ આપ્યું! અને તે હતું - ’ સેમીનારના સ્થળ પરથી નીકળી બીજા દીવસે સવારે નવ વાગે પાછા આવો તે દરમ્યાન જે કાંઇ બને તેની વાત બધાને કરવાની. એ પતે પછી બીજા દીવસનું શીક્ષણ શરુ થશે.’
હવે રાતના અગીયાર અને બીજા દીવસના નવ વાગ્યાની વચ્ચેના સમયની આ વાત મને તો સાવ ઉટપટાંગ લાગી.
બીજા દીવસે સવારે ‘ડેબુ’ એ એક અઢારેક વર્શના છોકરાને ઉભો કર્યો અને તેનો અનુભવ બધાને કહેવાનું કહ્યું. આપણે તેને ‘અ’ કહીશું.
‘અ’ બોલ્યો -
હું ઘેર ગયો . 11-30 વાગ્યા હતા. ઘંટડી વગાડી. મારાં વૃધ્ધ દાદીએ દરવાજો ખોલ્યો. હું જોડા કાઢીને સુવાના ઓરડામાં જતો હતો ત્યાં દાદી બોલ્યા – ” ‘અ’ બેટા, દુધ પીશ? ” . મને આ ઘરડી દાદી બહુ વળગતી આવે તે સહેજ પણ ન ગમે. હું સાંભળ્યા વીના મારી રોજની ટેવ પ્રમાણે, મારા ઓરડા ભણી જતો હતો. આખો દીવસ જાતજાતની વાતો સાંભળી હતી તેના પરથી મને વીચાર આવ્યો – ‘ભલે ને, દુધ પી લઉં. ‘ દાદી દુધ ગરમ કરીને લાવ્યા. ટેબલ પાસે બેસી મેં દુધ પીધું . દાદી પણ સામે બેઠાં.
ડેબુએ ‘અ’ ને અટકાવ્યો અને કહ્યું – ” દાદીએ તને શું આપ્યું? “
‘અ’ – ” દુધ જ તો વળી.”
ડેબુ – “અને તેં દાદીને શું આપ્યું?”
‘અ’ – ‘લો વળી, કાઇ જ નહીં.”
ડેબુ – ” દાદીના મોં પર કેવા ભાવ હતા?”
‘અ’ – તે ખુશ થયેલી દેખાઇ.”
ડેબુએ અમને બધાને પુછ્યું – ” બોલો ‘અ’ એ દાદીને શું આપ્યું? “
કોઇ જવાબ શી રીતે આપે?,
ડેબુ – “મીત્રો ! ‘અ’ એ તો એક મહાન ભેટ દાદીને આપી. જે દીકરો દાદીની દુનીયામાંથી ખોવાઇ ગયો હતો; તે તેણે દાદીને પાછો આપ્યો. તેનો આનંદ દાદીને હતો. “
પછી ઉમેર્યું – ” આપણે આપણી દુનીયામાં જ રહેતા હોઇએ છીએ. જ્યારે બીજાની દુનીયામાં પ્રવેશ કરીએ, ત્યારે જ આપણને આ ભાવ સમજાય. જેમ જેમ આપણે આ સમજતા થઇએ તેમ તેમ આપણી દુનીયા ખુલતી જશે, ખુલતી જ જશે. અને આપણી ઘટનાઓને જોવાની નજરમાં આમુલ પરીવર્તન આવતું જશે.”
અઠવાડીયા પછી બધાનું એક મીલન રાખ્યું હતું. ઘણા બધાને મંચ પર બોલાવી તેમના જીવનમાં શું ફેરફારો થયા તે બધાને જણાવવા ઇજન અપાયું હતું .
‘અ’ નો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું – ” તમે જે દાદી અને દુધવાળા પ્રસંગની વાત સમજાવી હતી, તે મારા મગજમાં એવી તો ઉતરી ગઇ કે, હવે હું સાવ અતડો હતો તે મીલનસાર બની ગયો છું, અને આ સાત દીવસમાં મને અગીયાર નવા મીત્રો મળ્યા છે. “
આ છે અભણ થવાના ફાયદા… જુનાં ચશ્મા ઉતારી નવા પહેરવાના ફાયદા.
2 comments July 1, 2007