Archive for May, 2007

ઋગ્વેદ-સૂક્ત

ઋગ્વેદ-સૂક્ત

સમાની વ આકૃતિ: સમાના હૃદયાનિ વ:|
સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ||

આપણા સંકલ્પ-વિચારો અને નિશ્ચય એકરૂપ થાઓ, આપણાં હ્રદય એક-સમાન બનો, આપણાં મન અને અંત:કરણ સમાન બનો: જેથી આપણું આ બધું (સંકલ્પ-વિચાર્, નિશ્ચય-હ્રદય, મન અને અંત:કરણ) શોભી ઊઠે એવું સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનો – જેથી આપણાં સર્વ કાર્ય ઉત્તમ પ્રકારે થાઓ.

સાભાર: પ્રાર્થનાઓ – એક ઝાંખી, પૃ. ૯૫

2 comments May 27, 2007

સત્ય અને ઇજનેરી

          આજે મારે ‘અંતરની વાણી’ માં મારી જુની અને જાણીતી ભાશામાં સત્ય વીશે કહેવું છે. અને તે ભાશા છે એંજીનીયરીંગની. ( કે પછી ઇજનેરીની ? ! )

truth_11.jpg

ઉપરની આકૃતી ’  A  ‘  શું છે?

કોઇ કહેશે ચોરસ અને કોઇ કહેશે ઘન બ્લોગ (!)

truth_12.jpg

હવે ઉપરની આકૃતી  ‘ B  ‘  જુઓ, તે ’  A  ‘  ને બાજુએથી જુઓ તે છે.

અરે! એ તો લંબઘન હતો!

truth_14.jpg

હવે ઉપરની આકૃતી ‘ ‘  જુઓ, તે  ‘ A  ‘ અને ‘ B ’  ને ઉપરથી જુઓ તે છે.

શું નીશ્કર્શ કાઢ્યો?   ત્રણે બાજુથી જોઇએ તો જ ખબર પડે કે વસ્તુ શું છે.

truth_3.jpg

હવે ઉપરની આકૃતી શું કહે છે ?

               અરે! પેલી ચીજ તો પોલી તારની જાળી હતી ! ખરેખર ઘન તો આ છે. અને આ ય પાછી અંદરથી સાવ પોલી નહીં હોય, તેની કોઇ ખાતરી ખરી? !!

             ભાયું ને બેન્યું !  જ્યારે આપણે એક ઘન વસ્તુની અભીવ્યક્તી પણ, તેને ત્રણ બાજુએથી જોયા કે કાપ્યા વગર કરી શકતા નથી તો, વ્યક્તી શું છે, તેની ભાવનાઓ શું છે, તેની વર્તણુક શું છે, તે ક્યાંથી સમજી શકવાના? તેને સમજવા માટે તો આ ત્રણ ઇજનેરી ઉપરાંત બીજી ઘણી બાજુઓથી જોવું પડશે. આવી કોઇક માત્ર આકૃતી ‘  A ‘  જોઇને જ આપણે તે વ્યક્તી માટે નીર્ણયો બાંધી લઇએ છીએ. અને પછી મુલ્યાંકનો, પુર્વગ્રહો, ગુસ્સો, પ્રેમ અને ધીક્કાર બધું માત્ર આપણી સીમીત નજરે ઉભું કરી લઇએ છીએ. અરે! સંબંધોમાં સૌથી નીકટ અને એકમેકમાં આત્મસાત્ થઇ ગયેલા પતી અને પત્નીના સંબંધમાં પણ, આખું જીવન વીતી જાય છતાં, એકબીજાને સમજી શક્યા હોય તેવા દંપતીઓ કેટલાં હશે?

                અને કુટુમ્બ, ટોળી, સમાજ એ તો અનેક વ્યક્તીઓનો બનેલો સમુહ છે. તેને સમજવા માટે તો વધારે ઉંડી સમજ કેળવવી પડે. ઇતીહાસ, ભુગોળ, સમાજશાસ્ત્ર, ધર્મ વીગેરે ઘણું બધું સમજવું પડે. અને આ બધાંને તો પ્રશ્નો પુછીને, મુક્ત મને ચર્ચા કરીને, ચાર જણના અભીપ્રાય લઇને કે પુસ્તકોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને કદાચ થોડા ઘણા સમજી પણ શકાય.

                પણ જીવ શું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, આ બધું કોણે બનાવ્યું, કેમ બનાવ્યું ?  - તે સત્ય સમજવું તો આનાથી  પણ વધારે જટીલ છે. એ કોઇ ગુરુ, ધર્મ કે પુસ્તક ન શીખવી શકે. અને કદાચ તેમાંથી આપણે માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કરીએ તો તેમાં પણ એક, બે,  ત્રણ કે બહુ સીમીત બાજુઓનું જ દર્શન હોવાની કેટલી બધી વાસ્તવીક શક્યતા છે? 

                દરેકનું સત્ય અલગ હોઇ શકે. આપણું સત્ય તો આપણે પોતે જ અનુભવવું પડે. એ તો અંતરની વાણીથી જ સમજી શકાય, એમાં  શબ્દ,  દર્શન, સ્પર્શ, રસ કે ગંધ કોઇ મદદ ન કરી શકે. સત્ય તો ઇન્દ્રીયાતીત હોય છે.

                માટે જ સૌથી વધારે મુશ્કેલ વાત છે -  એક અક્ષરના સૌથી વધારે વપરાતા, આપણા હોવાપણાના પાયામાં રહેલા, પણ સૌથી ઓછા સમજાયેલા શબ્દ,  ’હું’ ને ઓળખવાની………  અને એમ કહે છે કે, જ્યારે તે સમજાય ત્યારે ખબર   પડે કે , 

                   અરે ! આ ‘હું’ જ તો  ‘તે’  છે!

2 comments May 3, 2007

જીવનરેખા

‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.

- રુચા જાની

      આ મારી જ દીકરીની રચના. આજની ઘડીમાં જીવવાની વાતને માનવી કેટલી બધી મુશ્કેલ છે? ભુતકાળ મધુર સૌને લાગે છે – મને પણ. અને ભવીશ્યનાં સપનાં ય- મને પણ. અને વાત તો સાચી કે જીવનમાં આ ત્રણે ય છે જ. માત્ર ‘આજ’ થી જ જીવન નથી બનતું. ભુમીતીની ભાશામાં ઓછામાં ઓછા બે બીંદુ હોય તો રેખા બને. અને ત્રણ હોય તો સુરેખા કે વક્રરેખા બને. અને રેખા હોય તો જ કોઇ આકાર બને !

        બીલકુલ સાચી વાત. કોઇ એક એકલું બીંદુ આકાર બનાવી શકતું નથી. અનેક બીંદુઓ મળીને આકાર બને છે. તકલીફ એ છે કે આપણને જે બીંદુઓ આપણા હાથમાં નથી તે જ પ્રીય લાગે છે ! અને જે હાથમાં છે તે અકારું- નીરસ. માટે આપણે તેને ફેંકી  દઇએ  છીએ, વેડફી દઇએ છીએ. 

         હવે તું જ કહે બેની! ફેંકી દીધેલાં બીંદુમાંથી આકાર કેવો બનશે? તેમાં કોઇ ઢંગધડો હશે?

         સરસ આકૃતી બનાવવી છે. નયનરમ્ય ચીજ બનાવવી છે. બહુ સુંદર શીલ્પ બનાવવું છે – આપણા જીવનનું . તો આપણા હાથમાંની પીંછીને સપનાની સરસ કલ્પનાઓના રંગમાં બોળી, પાછલા અનુભવોમાંથી જે સારી કલા શીખ્યા તે વાપરી, એક યાદગાર કલાકૃતી બનાવવી છે. આમ ન કરો તો જીવન તો ગુજરી જશે. પણ આકૃતી કેવી બનશે? એ શીલ્પ કેવું બનશે?

          તમે જ વીચારી જુઓ. આ પળમાં જીવવું છે કે, મરવું છે? જે છે તે આ પળ છે. બાકી બધો તો ભુતકાળનો ભંગાર અને ભાવીનાં વાદળાં છે. આપણે આ ભંગાર અને વાદળાં વાપરીને જ આપણા જીવનને નીખારવાનું છે. એ તો આપણી પાસેની સામગ્રી છે. એ જ તો આપણી ક્ષમતા છે. બહુ મુલ્યવાન સામગ્રી છે. પણ તેને વેડફવી નથી. વાપરવી છે. સરસ સંગીતની તર્જ બનાવવી છે, આપણને સાંભળવી ગમે, સૌને સાંભળવી ગમે તેવી તર્જ. સરસ મજાનું ગણગણવાનું ગમે તેવું ગીત. અને ગીત જે બને છે  તે આ ઘડીમાં  બને છે. પછી તો બનેલા ગીતની ટેપ જ વાગે છે !  અથવા એ ગીત આપણી કલ્પનામાં જ રહી જાય છે.  તેને ગણગણાવી નથી શકાતું.

         અને એમાં તો જીવવાની મઝા છે – એમાં જ તો આનંદ છે – જેને કાજે આપણે જીવી રહ્યા છીએ. આ જ તો આપણી નીયતી છે. આમ જ આપણને બનાવવામાં આવ્યા છે.

          પસંદગી આપણે જ કરવાની છે, મરતાં મરતાં જીવવું છે – કે જીવતાં જીવતાં મરવું છે. બહુ જ નાનો ફરક છે – એક જ બીંદુની વાત છે. પણ બહુ જ મોટો ફરક છે.

           ચાલ બેની, આ પળમાં જીવવાનું શરુ કરીએ.

4 comments May 1, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

May 2007
M T W T F S S
« Apr   Jun »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta

a