Archive for March 13th, 2007

ક્ષણમાં જીવો

        બહુ જ સારા પ્રતીભાવો મળ્યા.ઉત્સાહ વધ્યો. આભાર !

        પણ આ ક્ષણમાં જીવવું એટલે શું?

     આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો છીએ જ ને ! કેટલી બધી ક્ષણો! પણ આમાંની કેટલી આનંદ અને ચૈતન્યથી ભરેલી હોય છે?    મોટા ભાગના લોકો પાસેથી  જવાબ મળશે – ‘ બહુ જ થોડી ‘ .  કંઇક મનવાંછીત મળી ગયું અને આનંદ થયો. પણ બીજી જ ક્ષણે તે રહેશે કે તેમ તેની ચીંતામાં તે આનંદ ગાયબ. વળી આપણા પાડોશી કે મીત્રને આપણાથી વધારે સારી ચીજ મળી તેની વ્યથા. એટલે આપણા મોટા ભાગના આનંદો બહુ જ ક્ષણીક હોય છે. આ જ જીવનની સામાન્ય રીત છે. આ જ આપણી નીયતી છે.

    કે પછી બીજી કોઈ રીત હોઈ શકે?

     હા ! હોઈ શકે.

     જીવનમાં શું મળ્યું કે શું ગુમાવ્યું; શું સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે બધું ઘણી બાબતો પર આધાર રાખે છે, અને કદાચ આપણું તેની ઉપર કોઈ નીયમન નથી. પણ તેને આપણે કયા અભીગમથી જોઇએ છીએ; તેના પર આ ક્ષણના સુખનો આધાર છે. ( વધારે વીસ્તાર માટે ‘બની આઝાદ ‘ શ્રેણી વાંચો   ભાગ :   -  1  -     ……….      ભાગ  :    -   6   -    )

    કબુલ….. આપણે સંકલ્પ કરીએ કે આપણે આ ક્ષણથી જ પ્રત્યેક ક્ષણને માણવાનું શરુ કરી દઈશું !

     પણ આ શક્ય છે?

     ના નથી ! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં !

    ભલે, પ્રત્યેક ક્ષણ આપણે આ રીતે જીવવા સમર્થ નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી ક્ષણોમાંથી દરરોજ થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો? થોડીક જ ક્ષણો . પણ દરરોજ,  સાતત્યથી; અને માત્ર આપણા પોતાના માટે જ.  જેમાં કોઇ આર્થીક, સામાજીક , રાજકીય, કૌટુમ્બીક – કોઇ પણ જાતનો -  લાભ આપણને થવાનો ન હોય તેવી નાની પ્રવૃત્તી કરીને -  બાળક સાથે રમીને;   વાસણ માંજવામાં થોડી મદદ કરીને; કોઇ ચીત્ર દોરીને; કવીતા લખીને; ભજન, સ્તુતી, જાપ કે ધ્યાન કરવાં હોય તો તેમ કરીને - પણ  આપણી ચીત્તવૃત્તીને અનુકુળ આવે તેમ કરીને.

       યાદ એ રહે કે, આમાં ક્યાંય, થોડોક પણ જશ ખાટવાની કે લાભ મેળવવાની ચાહના ન હોય. અને લખી રાખો- સામી દીવાલ પર- કે એક નવા જ આહ્ લાદની લહેરખી ક્યાંકથી ફરી વળશે. અંતરમાં બેઠેલી આપણી જાતને આ ગમવા માંડશે.

        અને બીજા દીવસે એમ થશે કે, ‘આજે એ ક્ષણ વધારું.’  કદાચ ત્યારે કાંઇક બીજું જ કરવાનું મન થશે. તો તેમ કરીએ. પ્રાર્થના કરવાનો મુડ નથી તો તે ન કરીએ.  ભમરડો ફેરવવાનું મન થયું છે તો ભમરડો ફેરવીએ! પણ તે ક્ષણમાં આપણને જે ઉમળકો આવે તે કરીએ. આપણું મન તો ચંચળ છે ને?  બસ શરત માત્ર એટલી જ કે, તેમાં કોઇ જ અર્થ ન સરતો હોય, કોઇ લાભ ન હોય તેવી પ્રવૃત્તી જ કરવાની.   અને હા ! કોઈને નુકશાન કે મનદુખ ન થાય તેવી પણ ખરી જ તો! જો સચ્ચાઈથી આ મહાવરો પાડીશું તો આવી ક્ષણો – આપણા  પોતાની  આ ક્ષણો – દીન-બ-દીન વધતી જશે. પછી તો તે ક્ષણો બહુ વ્હાલી લાગવા માંડશે.

     કારણકે, એ ક્ષણોમાં આપણે આપણી રીતે જીવનનો આનંદ માણવાની શરુઆત કરી દીધી છે. આના  તીવ્રતમ પડઘા આપણા જીવનના બીજા ભાગોમાં નાટ્યાત્મક રીતે પડવા માંડશે. જેમ જેમ આપણા પોતાના માટેની આ શાળાના પીરીયડ વધતા જશે તેમ તેમ , આપણા રોજીંદા જીવનના સંઘર્ષો તરફના આપણા પ્રત્યાઘાતોમાં, પ્રતીભાવોમાં એક પરીવર્તન આવતું જશે. કોક અજીબો ગરીબ શક્તી આપણા માનસમાં પરીવર્તનની  એક નવી  હવા; ચેતનાની, આનંદની એક નવી  લ્હેરખી ફેલાવવા માંડશે.

     આવા સતત અભ્યાસથી એક એવો તબક્કો આવશે કે, આપણને પહેલાં જે તકલીફો મોટા ડુંગરા જેવી લાગતી હતી તે નાની ટેકરીઓ, અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇનું વર્તન આપણી તરફ સારું ન હોય તો તેનું બહુ માઠું આપણને કદાચ નહીં લાગે. કદાચ આપણી સાથેના સહકાર્યકરને પ્રમોશન મળે કે વધારે ઇન્ક્રીમેન્ટ  મળે તો આપણી ઉંઘ હરામ નહીં થઈ જાય ! આપણને પેલા ‘જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલ’ પક્ષી ની જેમ વધારે  ઉંચે અને વધારે ઝડપથી ઉડવાની તાલાવેલી લાગશે.  

     ધીરે ધીરે એ અકારી, દુખથી ભરેલી , બોજરુપ લાગતી ક્ષણોમાં પણ આપણે આનંદથી જીવવા માંડીશું. એક નવા ‘હું’ નો જન્મ થઈ ચુક્યો હશે. કે પછી ખરો ‘હું’ – આપણો પ્રીય સખા, આપણો સાજન  એક જેલમાંથી છુટી નીખરવા માંડશે. આ કોઇ નવું મહોરું નહીં હોય . આ તો આપણી જાત જ, આપણે જેવા છીએ તેવા જ, સાવ સ્વાભાવીક, એક માણસ કહેવાય  તેવો માણસ હશે.

      આ સુફીયાણી સલાહ નથી. જીવનમાંથી જડેલું મોતી છે.  એ સૌની સાથે વહેંચીને ’ ગમતાંનો ગુલાલ’  કર્યાનો મને આનંદ છે. મારા અનુભવોના બણગાં ફૂંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પ્રયત્ન નથી. ચોસઠ વર્ષનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેંચીને તમારી સાથે રમવા માંગે છે.

    ચાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને? બહુ જ મજા આવશે…બસ મજા જ મજા … પ્રત્યેક ક્ષણ જીવવાની મજા …

2 comments March 13, 2007


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta

a