Archive for January 22nd, 2007
અંતાખડી – રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla
કાળ તો ક્યાં હોય છે, હોય છે બસ અબઘડી,
અધઘડી આળેખતાં ખૂટ ગઇ બારાખડી!
લ્હેર ઊઠી ભીતરે, ઊઠતાં સઘળે અડી,
અડતાંવેંત જ ઓગળી, ઓગળી અડવડ બડી !
એક એના વેણની ગાંઠ જે નિંગઠ પડી,
છોડતાં છૂટી નહીં, બંધ ગઇ નાડાછડી !
ખેડવ્યાં ખંભો દઇ, બારી ભેળાં બારણાં,
આગળા તડતડ તૂટ્યા, મિટ ગઇ સબ ગડબડી !
હું હસું ને એ હસે, એ હસે ને હું હસું,
અંત વિણ ચાલ્યા કરે, બેયની અંતાખડી !
ચેતવેલો શબ્દ છું, જ્યોત ઝળહળ જાગતી,
એમ હું આવું પ્રગટ જેવી જેની આખડી !
જ્યાં લગી છું, ત્યાં લગી છું, છવાયેલો જ છું,
ભીતરે પધરાવશો, એ પછી યે ચાખડી !
- રાજેન્દ્ર શુકલ
અંતરની વાણીમાંથી જ અભિવ્યક્તિ પામતી, ગુજરાતના મહાકવિની આ રચનામાં ગઝલની સુંદરતાની સાથે અશબ્દના શબ્દની વેધકતા પણ છે. આ ઘડીમાં જ જીવતાં, બધા કમાડોના આગળા તૂટી જાય અને પૂર્ણ પ્રકાશ પથરાઇ જાય તે ભાવ અહીં સમગ્રતયા છવાઇ ગયો છે.
Add comment January 22, 2007