Archive for January 16th, 2007
હેલી – ભગવતી કુમાર શર્મા, Bhagawatikumar Sharma
હેલી હેલી હેલી રે !
આ તો હરિનામની હેલી રે!
ઘેલી, ઘેલી, ઘેલી રે !
મારી રગ રગ પલળે ઘેલી રે!
સનન સનન આ હરિરસ ચોગમ વરસે અનરાધાર,
જલ ત્યાં થલ ને થલ ત્યાં જલ, સહુ ભીંજે આરંપાર.
મેલી, મેલી, મેલી રે!
અમે માંહ્યલી મરજાદ મેલી રે!
ઠેલી, ઠેલી, ઠેલી રે !
અમે ઠામુકી દુનિયા ઠેલી રે! – હેલી…..
સાત જનમના તૂટે તાંતણા, વીજળીને ઝબકારે,
ભવભવ કેરી તરસ બુઝાતી હરિરસ મૂશળધારે.
વેલી, વેલી, વેલી રે!
ખીલી હરિ-વ્હાલની વેલી રે!
ડેલી, ડેલી, ડેલી રે!
મારી સુગંધ લથબથ ડેલી રે! – હેલી ….
આ તો હરિનામની હેલી રે !
- ભગવતી કુમાર શર્મા
અંતરની વાણી જાગે અને તે સતત ચાલુ રહે તે સ્થિતિને કવિએ અહીં વરસાદની હેલી સાથે સરખાવી છે. આ સરસ લયવાળા ગીતને સોલી કાપડીયાના મધુર સ્વરમાં સાંભળીએ ત્યારે આપણને પણ આ હેલીમાં લથબથ થઇ જવાનું મન થઇ જાય છે.
હરિનામ અને સાત જનમ આ બે શબ્દોને બાદ કરો, તો આ સ્તુતિ વૈશ્વિક સ્તુતિ બનવાનું સામર્થ્ય ધરાવે છે.
Add comment January 16, 2007