નોકરી માટે ભગવાનની અરજી – ડો. આઇ. કે. વિજળીવાળા

January 14, 2007

 મને એક બે વાર લાગેલું કે અહીં કોઇ હળવી પણ અનુરૂપ સામગ્રી પીરસી શકાય તો સારું !
 આથી રીડ ગુજરાતી પર આવેલા મૂળ લેખ   પરથી આ લેખ અહીં રજુ કરું છું.  આશા છે કે, અંતરની વાણીને ઉજાગર કરવા આ પ્રયત્ન વધારે સફળ થશે.

( ભાઇ શ્રી મૃગેશ શાહ અને સાત્વિક શાહનો આભાર )

માનનીય શ્રી,

સ્વર્ગ સમાચારમાં આવેલ જાહેરખબર પરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મૅનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા માટે હું નમ્ર રીતે અરજી કરવા માંગું છું. મારી અરજીની યોગ્યતાના પુરાવા તરીકે હું નીચેના થોડાક મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવા માંગું છું :
(અ) હું માણસજાતના સર્વપ્રથમ મૅનેજર તરીકે કામ કરી ચૂક્યો છું !
(બ) મેં જ માણસજાતને બનાવી છે. એને સૌથી સારી રીતે કાર્યરત શી રીતે રાખવી તે હું બરાબર જાણું છું કારણ કે તેના દરેકદરેક પુરજાનું મને સંપૂર્ણ જ્ઞાન છે. (આમ જુઓ તો મશીનના બનાવનારને જ તમે મિકૅનિકની નોકરી આપી રહ્યા હો તેવું લાગશે !)

મારી કાર્યપદ્ધતિ અંગે તમને માહિતગાર કરવા માટે અત્યાર સુધીમાં મેં ઘણા જ સંતો, અવતારો તેમજ પયગંબરોને મોકલ્યા જ છે. પણ મને લાગે છે કે તો પણ ક્યાંક કશીક કચાશ રહી ગઈ છે. એટલે આ વખતે મેં જ અરજી કરવાનો નિર્ણય કર્યો છે.

મને જો તમારી જિંદગીના મૅનેજર તરીકે રાખશો તો થોડાક જ વખતમાં હું બધું જ બરાબર કરી આપીશ. હા ! આ બધું હું મારી આગવી રીતે કરવાનો અધિકાર જરૂર માંગીશ. એના માટે મારે તમારી જિંદગીમાં થોડાક આવશ્યક અને નિર્ણાયક ફેરફારો જરૂરથી કરવા પડશે. એ હું મારી રીતે અને મારા સમયે કરીશ. કેટલાક ફેરફારો તમને પીડાદાયક લાગવાની શક્યતા પણ છે, પરંતુ એ બધું સહન કરવાની હું તમને શક્તિ પણ આપીશ એટલે કંઈ વધારે પડતી ચિંતા કરવાની પણ જરૂરત નહીં રહે.

આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તમારે માત્ર શાંતિ જ જાળવવાની રહેશે. મારા કામમાં કોઈ પણ જાતની દખલ મને જરા પણ સ્વીકાર્ય નથી. મને મદદ કરવાનો તેમજ મારો વિરોધ કરવાનો પણ તમારે પ્રયત્ન ન કરવો. મારે તમારી મદદની જરૂર નથી, પણ તમારો સાથ, સહકાર અને સમર્પણ હું આવકારીશ. (અને એ અનિવાર્ય પણ છે !)

એ જ
લિ.
ભગવાન

નીચે મારો બાયોડેટા લખીને મોકલું છું, જે તમારી જાણ ખાતર…..!

નામ : ભગવાન
સરનામું : બધે જ. દરેક સ્થળ, કણે કણ. 000 000
ફોન : પ્રાર્થના
નિપુણતા : સર્વશક્તિમાન
કાર્ય અનુભવ : બ્રહ્માંડને બનાવ્યું. આકાશગંગા, એક એક તારા તેમજ તારાવિશ્વોને એની જગ્યાએ ગોઠવ્યાં. માણસ તેમજ દરેક સજીવ-નિર્જીવને બનાવ્યાં. હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહ્યો છું. સમયની શરૂઆત થઈ તે પહેલાંથી, સમય રહેશે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્ર તેમજ કાર્યક્ષમતા ધરાવનાર. (સમયને પણ મેં જ બનાવ્યો છે, જે તમારી જાણ ખાતર !)

અભ્યાસ : સર્વજ્ઞ. બધું જ્ઞાન મારા થકી જ છે.

ચારિત્ર્ય : આ અંગેનાં પ્રમાણો માટે નીચેના રૅફરન્સીસ જોઈ જવા વિનંતી છે.
વેદ, ઉપનિષદો, જૈન શાસ્ત્ર, બૌદ્ધ ધર્મગ્રંથો તેમજ અન્ય ભારતીય ધર્મસંહિતાઓ. આ ઉપરાંત બાઈબલ, કુરાન તેમજ દુનિયાના દરેક ધાર્મિક ગ્રંથ.

થોડાક અગત્યના ગુણો :

(1) પ્રેમસ્વરૂપ
(2) પ્રકાશસ્વરૂપ
(3) શાંતિસ્વરૂપ
(4) સત્યસ્વરૂપ
(5) શુભસ્વરૂપ
(6) સમજણ આપનાર.
(7) સહાનુભૂતિ તેમજ કરુણાસ્વરૂપ
(8) દર્દનાશક
(9) દુ:ખનાશક
(10) ક્ષમા કરનાર
(11) અન્નદાતા
(12) દયાળુ, માયાળુ
(13) દરેક સદ્દગુણનો સ્વામી.

મળવા માટેની માહિતી (Contact Information) :

હું હંમેશા તમારી જિંદગીની જવાબદારી સ્વીકારી લેવા તત્પર હોઉં છું. તમે ગમે ત્યારે (24 x 7 x 365 ) મારો સંપર્ક કરી શકો છો. હું તમારાથી ફક્ત પ્રાર્થનાના બે શબ્દ જેટલો જ દૂર છું. મંદિરો મસ્જિદો વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશાં તમારી જોડે જ હોઉં છું.

અપેક્ષિત પગાર :

મારો પગાર મારા હજારો દૂતો, સંતો તેમજ પયગંબરોએ પોતાની જાતની આહુતિ આપીને ક્યારનો ચૂકવી દીધો છે. તમારી પાસેથી મારા બતાવેલા રસ્તા પરનું આચરણ તેમજ મારા પ્રત્યેનું સમર્પણ જ પગાર તરીકે માંગું છું. વધારે રૅફરન્સીસ જો માંગશો તો જરૂર પૂરા પાડીશ. આશા છે કે મારી અરજી પર પૂરતું ધ્યાન આપીને તમે મને તમારી જિંદગીના મૅનેજરની નોકરી જરૂરથી આપશો.

એ જ
લિ. ભગવાન.

Entry Filed under: આઇ. કે. વિજળીવાળા, આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Hiral on પ્રેમ
Shah Ashwin K on સ્વાગત
rajeshri panchal on અપૂજ શિવાલય – ગુણવંત…
pushpa r rathod on વૃત્તિઓની લીલા – સુ…
divyesh vyas on સ્વાગત

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta

a