Archive for January 6th, 2007
વેષ્ટન- સુંદરમ્, Sundaram
આ વાસના- વેષ્ટિત કેવું જીવન !
જાણે અરે કંટકનું મહાવન.
હા, આ અમે જંગલમાંહી મંગલ
રચ્યું સજ્યું તો ય અરે બિછાતનાં
પુષ્પો થકી કંટક શા ફૂટી ઊઠે,
ને પુષ્પમાળા અમ રંગરાગની
શી સર્પ થૈને અમ પ્રાણ ભીંસે.
ને બુધ્ધિનો દીપ ઝગે તગે છતાં
અંધારનો માત્ર હિસાબ દાખવે,
સશક્ત બાહુ બહુ ઝૂઝતાં છતાં
સંધ્યા સમે વિષ્લથ ક્લાન્ત થૈ ઢળે.
કાલિન્દી આ કાલિયથી વસેલી,
ભર્યાં ભર્યાં વારિ, તથાપિ કાળાં
હલાહલે દૂષિત, એવું જીવન
હે કૃષ્ણ, ક્યારે દડૂલો ઉડાવીને
ઝંપલાવશો આ વિષ-સૃષ્ટિ જીતવા?
- સુંદરમ્
વેષ્ટન - ઓછાડ, ગલેફ, આવરણ ; વિષ્લથ – થાકી ગયેલું (?) ; ક્લાન્ત - કરમાયેલું
Add comment January 6, 2007