Archive for January 4th, 2007
અંધારું લ્યો – રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla
ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …
કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તો ઉંબરમાં ઊતરાવ્યું રે.
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …
એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ -
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …
- રાજેન્દ્ર શુકલ
આ વર્ષે સર્વશ્રેષ્ઠ ગણાયેલા આ ઋષિકવિને પોઠો ભરી ભરીને આવેલી જીવનની બધી મતા અંધારું જ લાગે છે. સવારનો પ્રકાશ ન થાય ત્યાં સુધી આ અંધારું બહુ પ્રિય લાગે છે. તે મમળાવવાના કોડ આભને અડી જાય છે.
પણ અંધારું એ અંધારું ! અજવાળું ન દેખાય ત્યાં સુધી જ તેની મહત્તા! અહીં આપણો પ્રયાસ અજવાળાને મમળાવવાનો છે.
1 comment January 4, 2007