બની આઝાદ – 5 – સુરેશ જાની

November 6, 2006

         અપેક્ષાઓ આપણા બધા દુઃખોના મૂળમાં છે અને અપેક્ષાઓ વિનાનું જીવન લગભગ અશક્ય છે. કેવી વિડંબના? કેવી જેલ? કેવી લાચારી?


           કદાચ કોઇ વીરલાએ બધી અપેક્ષા ત્યાગી છે – એ તો સંત છે – એમ કોઇ કહે તો પણ, તેવી વ્યક્તિને કો’ક નવા પ્રકારની અપેક્ષા પોતાના જીવન પાસે રહે , કે ‘એવું કાંઇક કરું જેથી મારા બધા બાંધવો પણ અપેક્ષારહિત થતા જાય ! ’. એટલે તો ઇસૂને શૂળી પર ચઢવું પડ્યું અને ગાંધીને ગોળી ખાવી પડી. આમ અપેક્ષાઓ તો રહેવાની જ.
           આપણે જોયું કે અપેક્ષાઓનો મૂળ સ્રોત છે- જિજીવીષા, જેમાંથી તે ઉદ્ ભવે છે. પણ તેની પાછળનું ચાલક બળ બીજું છે. અને તે છે એક શોધ – જીવનમાં જે ખૂટે છે તેની શોધ; સુખની શોધ. આ જ તો જીવનનું પ્રાથમિક ધ્યેય છે. સુખની આ શોધમાંથી જ નવી નવી અપેક્ષાઓ સર્જાતી જાય છે, અને પેલું કાલ્પનિક સુખ આગળ ને આગલ હડસેલાતું જાય છે.
        બાળકને પોતાની પાસે લખોટી નથી અને તેના મિત્ર પાસે છે એવી લખોટી મેળવવાનું ધ્યેય રહે છે. વિદ્યાર્થીને પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવાનું સુખ જોઇએ છે. યુવાન કે યુવતીને શરીરના કોષે કોષમાં ઉન્માદ ભરી દે તેવા સુખની શોધ હોય છે. કાણી કોડી પણ પોતાની પાસે ન હોય તેને સાંજનો રોટલો મળી જાય તે જ સુખની કલ્પના હોય છે. કરોડપતિને અબજપતિ બનવામાં સુખ દેખાય છે. રાજાને ચક્રવર્તી થવાના કોડ રહે છે. કોઇ સંતને યુગપરિવર્તક થવાની અભિલાષા છે.
          અને જેવા આ કોડ પૂરા થયા કે પાછું કાંઇક ફરી ખૂટતું લાગે છે. ફરી ‘તે’ નવા કાલ્પનિક સુખની પરિકલ્પના; નવી શોધ; નવી અપેક્ષાઓ; નવા સંઘર્ષો અને નવી વ્યથાઓ. બસ આ જ ચક્કર , જે જીવન ભર આપણને દોડતા રાખે છે. એ ઝાંઝવાના જળ પર કેટલી ય કવિતાઓ રચાઇ અને રચાશે.
          કોઇ કહેશે “ આ જ તો જીવન છે. તેમાં ખોટું શું છે?” સાવ સાચી વાત. પણ સામાન્ય અનુભવ કહે છે કે, કશુંક ખૂટે છે. બસ એ ખૂટતું મેળવવા માટે જ તો આ બધો વાર્તાલાપ છે !
         વાત સાવ સાદી છે. ‘તે’ સુખ જ્યાં સુધી ‘તે’ રહે છે; ત્યાં સુધી જ આ ખાલીપો છે. આ જે છે તે જ ‘તે’ છે , એવો ભાવ આવે એટલે ખાલીપો ખતમ !
          જે છે તે આ છે. આ ફૂલ હોય કે કાંટા. તેમાંથી જ આપણે ગજરો બનાવવાનો છે. આ ગજરો બનાવતાં આવડ્યો એટલે બધી વ્યથાઓનો અંત. આ ક્ષણમાં જીવ્યા તો જીવ્યા , નહીં તો આપણામાં અને મડદામાં કોઇ ફરક નહીં.
          જે છે તેમાંથી ગજરો બનાવવાની કળા આવડી એટલે આપણે આઝાદ થઇ ગયા. અને એક વાર આઝાદ થયા એટલે બધી વિટંબણાઓને હડસેલીને મુક્ત ગગનમાં વિહાર. અપેક્ષાઓનું ઉર્ધ્વીકરણ – સુખ નહીં પણ આનંદની શોધ. આનંદમાંથી પ્રગટે ચૈતન્ય. ચૈતન્ય આવે એટલે સત્ય સમજાય અને ત્યારે થાય પરમ તત્વની અનુભૂતિ.
          જેમ જેમ અંતરની વાણીને સાંભળતા થઇએ, તેમ તેમ જીવનનાં પડળો ભેદાવા માંડે. ઝાંઝવાનાં જળની પાછળ દોડવાને બદલે ખબર પડે કે આપણી અંદર જ નિર્મળ જળની ગંગા વહે છે. આપણે જે કાંઇ પણ કરીએ તેમાં કોઇ તાત્વિક ફેર ન પડ્યો હોય, છતાં ય બધુ બદલાઇ જાય.
            અપેક્ષાઓ બદલાય, પેલી ચિરંતન શોધ તો રહે, પણ તેની દીશા બદલાય. લેવાની નહીં વ્હેંચવાની ઇચ્છા થવા માંડે. સંત ભલે ના થઇએ, પણ નરસૈંયાના ‘ વૈષ્ણવજન’ થવા માંડીએ. ‘ગમતાંનો ગુલાલ’ કરવા માંડીએ.

- સુરેશ જાની 

———————————————————————————————————-

ભાગ -1   :     ભાગ – 2  :   ભાગ- 3   :   ભાગ – 4    :        ભાગ  -  6

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ

Meta

a